જંગલેશ્ર્વર નજીક સ્મશાનના પાર્કીગ પાસે લોહીલુહાણ હાલતમાં લાશ મળી: હત્યા અન્ય સ્થળે કરી લાશને રિક્ષા જેવા વાહનમાં ફેંકી દેવાયાની શંકા
ઉનાળો શરૂ થતા સૌરાષ્ટ્રમાં શરૂ થયેલો સીલસીલો જારી રહ્યો હોય તેમ ગતમોડી રાતે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પરપ્રાંતિય યુવાનની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. હત્યા કોને અને શા માટે કરી તે અંગેની તપાસ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વર વિસ્તારમાં આવેલા જય સરદાર પટેલ યુવા ગૃપ સંચાલિત સ્મશાનના ગેઇટના પાર્કીગ ગેઇટ પાસે અજાણ્યા યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાની ભક્તિનગર પોલીસને જાણ થતા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, પી.આઇ. વી.કે.ગઢવી, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઘટના સ્થળે સિમેન્ટના બાકડો લોહી લુહાણ હાલતમાં હતો અને તેની નજીક ડાબા પગના ઘુટણની પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારનો એક ઘા ઝીંકી હત્યા કરાયાનું નજરે પડયું હતું તેમજ ઘટના સ્થળેથી મૃતકનું આધાર કાર્ડ, પર્સ અને મોબાઇલ મળી આવતા મૃતક મુળ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું અને જંગલેશ્વર પાસેની એકતા કોલોનીમાં ભીખુશા હાસમશાની ઓરડીમાં ભાડે રહી કારખાનામાં મજુરી કામ કરતો ક્રિપાલ ભગીરથ વર્મા નામના ૨૭ વર્ષના પટેલ યુવાન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મૃતક ક્રિપાલ વર્માનો એક ભાઇ વાવડી નજીક કારખાનામાં કામ કરતો હોવાની પોલીસને વિગતો મળતા તપાસ અર્થે પોલીસ સ્ટાફ વાવડી દોડી ગયો હતો. મૃતકના પરિવાજનોનો સંપર્ક થયા બાદ તે ગતરાતે કોની સાથે અને કયાં ગયો હતો તે અંગેની વિગતો બહાર આવ્યા બાદ હત્યા કોને અને શા માટે કરી તે તમામ વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. આમ છતાં મૃતક ક્રિપાલ ભગીરથ વર્માના મળી આવેલા મોબાઇલની કોલ ડીટેઇલ પણ પોલીસે મેળવી છેલ્લે કોની સાથે વાત થઇ હતી તે દિશામાં તપાસ હાતધરી છે.