Abtak Media Google News
૩૧૦ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સલામતીનાં મુદ્દે તપાસનો તખ્તો તૈયાર

જામનગરની મોટાભાગની શાળાઓમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી શાળા શરૂ કરવાની મંજુરી સમયે શાળા સંચાલકો દ્વારા શાળામાં પુરતી ફાયર સેફટી હોવાનું દર્શાવી મંજુરી મેળવી લેવામાં આવે છે ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા ફાયર સેફટીનાં નામે લોલમલોલ ચલાવવામાં આવતી હોવાનું સર્વાદિત છે. આ સ્થિતિમાં સુરતમાં આગની ઘટના બાદ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ મળી કુલ ૩૧૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી સહિતનાં મુદ્દે તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે ડીઈઓ કચેરી દ્વારા તટસ્થ તપાસ થશે કે પછી કાગળ પર કામગીરી આટોપી લેવામાં આવશે તે એક યક્ષ પ્રશ્ન છે.

સુરતની ઘટનાનાં પગલે જામનગરમાં મનપા દ્વારા કલાસીસનાં સર્વે શરૂ કરી નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને સોમવારે કલાસીસ સંચાલકોની મીટીંગ મળી હતી. જેમાં મનપાનાં એસ્ટેટ વિભાગનાં અધિકારી પણ હાજર રહ્યા હતા.

મીટીંગમાં કલાસીસનાં સંચાલકોએ સુરતના હતભાગી બાળકોને શ્રદ્ધાંજલી પાઠવી ફાયરનું એનઓસી મળ્યા બાદ કલાસીસ ચાલુ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. જામનગર શહેર-જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ગુજરાત શિક્ષણ બોર્ડનાં નિયમ અને આદેશ અનુસાર સમયાંતરે ફાયર સેફટી સહિતનાં સલામતી મુદ્દે તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે સુરતની ઘટના બાદ જામનગરની ૩૧૦ માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી સહિતનાં મુદ્દે તપાસ કરવામાં આવશે. આ માટે સરકારી શિક્ષકો સહિતનાં કર્મચારીઓની ૩૦ ટીમ બનાવવામાં આવશે.

શાળામાં બે માળ હોય તો બે સીડી ફરજીયાત હોવી જોઈએ તેવો નિયમ છે. આટલું જ નહીં શાળામાં પાંચ માળ હોય તો ફાયરનું એનઓસી લેવું ફરજીયાત છે પરંતુ જામનગરમાં ખોડીયાર કોલોની, જી.જી.હોસ્પિટલ રોડ સહિતનાં વિસ્તારોમાં કાર્યરત મોટાભાગની ખાનગી શાળાઓમાં કે જેમાં બે માળ હોવા છતાં બે સીડીના નિયમનો ઉલાળીયો કરવામાં આવી રહ્યાનું શિક્ષણ વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં મંજુરી સમયે ૪ માળ દર્શાવામાં આવે છે જેથી ફાયરનું એનઓસી લેવું ન પડે બાદમાં વધારાનું બાંધકામ થતું હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.