Abtak Media Google News
  • હાલ બોટીંગ કે કોઇ રાઇડ્સ શરૂ નહિં કરાય માત્ર મ્યુઝિકલ ફાઉન્ટેન શરૂ થશે

રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં 136 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અટલ સરોવરનું ગત 7મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ કરાયા બાદ એવી ઘોષણા કરવામાં આવી હતી કે 1લી મેથી અટલ સરોવર રાજકોટવાસીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે. દરમિયાન આગામી બુધવારથી અટલ સરોવર ખાતે શહેરીજનો ફરવા જઇ શકશે. એન્ટ્રી ફી રૂ.25 નિયત કરવામાં આવી છે. જ્યારે નાના બાળકોની પ્રવેશ ટિકિટ રૂ.10 નક્કી કરવામાં આવી છે.

Advertisement

આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગુજરાત રાજ્યના સ્થાપના દિન અર્થાત્ 1લી મેથી લોકો માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે. અટલ સરોવરના નિર્માણ માટે અપાયેલા ટેન્ડરમાં જ એવી શરત રાખવામાં આવી હતી કે પુખ્ત વયના લોકો માટે એન્ટ્રી ફી રૂ.25 વસૂલવામાં આવશે. જ્યારે નાના બાળકોની પ્રવેશ ફી રૂ.10 નિયત કરવામાં આવી છે. વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મૃત્યુ થયા બાદ સરકાર દ્વારા બોટીંગ માટે નવી એસઓપી બનાવવામાં આવી છે. જેની અમલવારી કરવી ફરજીયાત હોય હાલ અટલ સરોવરમાં બોટીંગ શરૂ કરવામાં આવશે નહિં. આ ઉપરાંત ફજેત ફાળકા શરૂ કરવા માટે પણ એનઓસી મેળવવા સહિતની કામગીરી ચાલી રહી હોવાના કારણે તેનો પણ પ્રારંભ કરવામાં આવશે નહિં. ટોય ટ્રેન માટેની કામગીરી પણ હાલ બાકી હોવાના કારણે તે પણ શરૂ થશે નહિં. માત્ર અટલ સરોવરમાં લોકો માટે મ્યુઝિકલ ફાઉન્ટેન હાલના ધોરણે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તમામ રાઇડ્સ શરૂ કરાશે.

સાતમ-આઠમના તહેવાર સુધીમાં ફૂલ ફ્લેઝમાં અટલ સરોવર કાર્યરત થઇ જાય તે દિશામાં કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ પ્રથમ એવો પ્રોજેક્ટ હશે કે લોકાર્પણ કરાયાના બે મહિના બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે જ ઉતાવળે અધૂરા કામે અટલ સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. સમય અને સપ્તાહમાં ક્યા વારે અટલ સરોવર બંધ રહેશે તે અંગેની ઘોષણા ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.