Abtak Media Google News

એફ.આઈ.આર.નો અર્થ શું ?

તથ્યહિન ફરિયાદના કારણે તંત્ર અને કોર્ટનો કિંમતી સમયનો બગાડ

બળાત્કારના ગુનામાં સરકાર દ્વારા કરાયેલા આવકાર્ય સુધારાનો લેભાગુ દ્વારા થતો દુરપયોગ

ગોંડલ શહેરમાં બળાત્કારની શંકાસ્પદ ફરિયાદથી પોલીસ ચકરાવે ચડી: સાચવવા આપેલી રકમ પરત મેળવવા માટે મહિલાએ બળાત્કારનો નોંધાવ્યો ગુનો

૨૧મી સદીના કમ્પ્યુટર યુગમાં સમાજમાં અર્થ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા અને ગુનાખોરીમાં ધરખમ ફેરફાર સાથે જાગૃતતા આવી છે તેની સાથે સાથે કેટલીક બદીઓ અને તંત્રનો કંઇ રીતે દુરઉપયોગ કરવો તેવા હીન પ્રયાસના કારણે તંત્રની મુશ્કેલી અને કામનું ભારણ વધી ગયું છે. બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીને કડક સજા થાય તે માટે સરકાર દ્વારા કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. તે આવકાર્ય છે. પરંતુ આવા ગુનાનો કંઇ રીતે દુર ઉપયોગ કરવો તે અંગે ભેજાબાજો દ્વારા સતત પ્રયાસ કરી તંત્રને ગેર માર્ગે દોરી કામગીરી અને હેરાનગતિ વધારી રહ્યા છે. આવી જ એક ઘટના ગોંડલ શહેર પોલીસમાં નોંધાઇ છે. ગુનો બળાત્કારનો છે કે પોતાની રકમ પરત મેળવવા બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે તે અંગે ઉંડી તપાસ કરવી પડે તેવી સ્થિતી સર્જાય છે.

જેતપુરની ત્રણ સંતાનની માતા છેલ્લા દોઢેક માસથી ઘર છોડી જતી રહ્યા બાદ ગોંડલ રહેતી પોતાની પરિચીત મહિલાને ત્યાં આશરો મેળવી બંને મહિલાઓને પોતાના સોનાના ઘરેણા સાચવવા આપ્યા હતા. દોઢ માસ સુધી ગોંડલ રહેલી મહિલાએ પોતાના પર સંદિપ ભરવાડ નામના શખ્સે બળાત્કાર ગુજાર્યોના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સાથે સોનાના ઘરેણા સાચવવા આપનાર મહિલા સુગની અને ચેતનાબેન ડાભી સામે પણ ફરિયાદ નોંધાવી પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાવ્યું છે.

કાયદાની આટીઘુટી અને કેટલીક મર્યાદાના કારણે પોલીસે પ્રાથમિક તપાસ કર્યા વિનાજ ફરિયાદ (એફઆઇઆર) નોંધી હોય તેવું જણાય રહ્યું છે. ગુનો બળાત્કારનો છે કે નાણાકીય લેવડ દેવડનો તે અંગે ઉંડી તપાસ કરવી પડે તેવી સ્થિતી છે. ત્રણ સંતાનની માતા જેની સાથે દોઢ માસ સુધીનો સમય વિતાવે ત્યાં સુધી બળજબરી સહન કેમ સહન કરી તે અંગે તપાસ થાય તો પણ બળાત્કારના આક્ષેપમાં કેટલુ તથ્ય તે અંગેની ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

ત્રણ સંતાનની માતા સાથે દોઢ માસ સુધી બળજબરી કંઇ રીતે થઇ શકે તેમજ સોનાના ઘરેણા સાચવવાની ઘટના અલગ ઘટના છે તેમ છતાં પોલીસ દ્વારા બળાત્કાર અને છેતરપિંડીની ઘટના મારી મચડી એક સાથે બંધ બેસતી કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે ઉંડી તપાસ કર્યા બાદ ગુનો નોંધે તો છેતરપિંડીની જ ઘટના અલગ છે તે રીતે પુકત ઉમરની મહિલા સાથે થયેલા દુષ્કર્મની વાત કેટલી યોગ્ય છે તે અંગે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે છે. પુક્ત ઉમરની મહિલા પોતાની સહમતીથી સંભોગ કરે તેને બળાત્કાર ગણવામાં આવતો નથી ત્યારે ત્રણ સંતાનની માતા સાથે દોઢ માસ સુધી બળજબરી થઇ તે વાત પણ પોલીસને કંઇ રીતે ગળે ઉતરી તે એક સવાલ છે અને આ અંગે ખરેખર ઉંડી તપાસ થશે કે માત્ર કામનું ભારણ જ બની રહે છે તે તો આવનાર સમય જ કહેશે.

બળાત્કારના દુષ્કર્મના કેસ સામે સરકાર દ્વારા ૨૧-૪-૧૮ના રોજ કેટલાક સુધારા કરી બળાત્કારના આરોપીને કડક સજા કરવાની જોગવાઇ બતાવી છે. જો કે દુષ્કર્મની પિડીતા સગીર હોય તે પોતાના સારા નરસાનો અનુભવ નથી તેના પર બળાત્કાર ગુજારવામાં આવે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદની સાથે બે માસમાં તપાસ પુરી કરવી અને બે માસમાં જ કોર્ટમાં સુનાવણી પુરી કરવાની ભલામણ કરવામાં આવી છે.

૧૬ વર્ષથી ઓછી ઉમરની પિડીતા પર બળાત્કાર થયો હોય ત્યારે આરોપીને ૧૦ થી ૨૦ વર્ષની સજાની જોગવાઇ કરાઇ છે. સામુહીક દુષ્કર્મના કેસના આરોપીને આજીવન કેદ અથવા દેહાંત દંડની સજા ફટકારવા સુધી જોગવાઇ કરવામાં આવી છે.

તરૂણી પર આચરવામાં આવેલા દુષ્કર્મના કેસમાં જામીન અરજીની સુનાવણી પહેલાં સરકારી વકીલ અને પિડીતાના પ્રતિનિધિ જામીન અરજી અંગેની જાણ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે.

સગીરા માટે આ પ્રકારનો સુધારો જરૂરી અને આવકાર્ય છે પરંતુ પુકત ઉમરની મહિલા લાંબા સમય બાદ બળાત્કારના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવે ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની બીજી સાઇડ તપાસ કરે તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું અને સમગ્ર ફરિયાદ પાછળનો હેતુ કંઇ અલગ જ હોય તેમ જાણકારો કહી રહ્યા છે. જેના કારણે પોલીસ અને કોર્ટનો સમય વિના કારણે બરબાદ થાય છે અને કોર્ટમાં કેસ સાબીત કરવામાં નિષ્ફળતાનો આંક વધુને વધુ ઉંચો જતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.