Abtak Media Google News
  • વેકેશનમાં આજે ‘મામા’નું ઘર વિસરાયું પણ દરેક માટે ઉનાળાનું વેકેશન ખૂબ જ મહત્વ : ઉનાળાની રજાઓ વિદ્યાર્થીઓનાં જીવનનો મહત્વનો ભાગ : વિદ્યાર્થી કાળમાં આ દોઢ મહિનો સ્વ-વિકાસ માટે અતિ મહત્વનો : રજાની મજા સાથે ભાઈબંધોની ટોળી અને સખીઓની જોડી સાથે બચપણના આ દિવસો ક્યારેય વિસરાતા નથી
  • વેકેશનની આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અનુબંધ બાંધી શકાય : પહેલા ભાર વગરનું ભણતર સાથે આનંદમય વેકેશનની જલવો હોવાથી, સૌની પ્રગતિ થઈ હતી, પણ આજે આથી સાવ ઊલટું હોય તેમ વેકેશનમાં પણ વિવિધ સમર ક્લાસીસમાં બાળકોને જોતરી દેવામાં આવે છે

ઉનાળું વેકેશન વાર્ષિક પરીક્ષા બાદ આવતું લાંબુ વેકેશન હોય છે. વિવિધ સમર કેમ્પો સાથે બાળકોમાં રહેલી વિવિધ છૂપી કલાને પ્રોત્સાહન આપવાનો આ સમય છે. ધો.10-12 ના વિદ્યાર્થી માટે વેકેશન સાથે જૂન થી નવી કારકિર્દીનો વણાંક આવતો હોવાથી વિવિધ કોર્ષ માટેના કેમ્પોમાં અને કાઉન્સીલીંગ મેળવવું જરૂરી બને છે.

Advertisement

આખુ વર્ષ ભણ-ભણ કર્યા પછી આવતું વેકેશન એક ધોરણની સફળતા સાથે નવા ધોરણના પ્રારંભ છે. એક માસનો સતત આનંદ એટલે વેકેશન પહેલાના જમાનામાં તો પરીક્ષા પૂરી થાય એટલે શાળામાં રજા પડી જતી હતી, જો કે ટીચરો હાજર રહેતા પણ બાળકો આવતા નહી. આજે લર્નીંગ લોસ કે નબળાને સબળા બનાવવામાં એક વીક બાદ જ ફરી શિક્ષણ શરૂ થઇ જાય છે. શિક્ષકની નોકરીમાં બે વેકેશન મળતા હોવાથી ફરવા જવાનો ફાયદો મળે છે. પ્રાથમિક, હાઇસ્કૂલ કે કોલેજના વેકેશનની તારીખ લગભગ સરખી રખાય છે, કારણ કે વાલીઓ પરિવાર સાથે ફરવા જઇ શકે છે.

વેકેશનનો સદ્ઉપયોગ એટલે કંઇક નવુ શીખવાના દિવસો. વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેક્ટ થકી બાળક શિક્ષણ સાથે વિવિધ કલામાં પણ માહિર બને તેવું આયોજન છે. હવે મામાને ઘરે કોઇ જતું નથી, એ વાત ભૂતકાળ થઇ ગઇ છે. જૂના જમાનાના વેકેશનમાં જલ્વો હતો. ધોમ ધખતા તાપમાં ઝાડ પર ચડીને કોલને કાતર ખાવાની સાથે શેરીમાં નિકળતો ગોલા, ગુલ્ફીવાળા મિજબાની હતી. નવા કપડાં પણ ખરીદતા હતા. આજે ઇલેક્ટ્રોનિક ગેઝેટ વચ્ચે આપણું પ્રિય વેકેશન એક રૂટીંગ તારીખ બની ગયું છે.

પહેલા તો વેકેશન પહેલા વેકેશનના પ્લાનીંગ બનતા આજે તો દોઢ મહિના જેવો લાંબો ગાળો અને એમાય ગરમીની સિઝન એટલે મા-બાપ જ બપોરે અગિયારથી સાંજના છ સુધી ઘર બહાર નીકળવા ન દે ત્યારે, વેકેશનની મઝા આજનો બાળક શું માણી શકે. સામાન્ય રીતે વેકેશનમાં બાળકો ટીવી-વીડીયો, ગેમ્સ કે મોબાઇલના સહારે જ વેકેશન પુરૂ કરે છે. ખરેખર તો ચિત્રકામ, સંગીત, સ્પોટ્સ, ડાન્સ, નૃત્ય, વેસ્ટમાંથી બેસ્ટ, અભિનયકલા, સ્વ વિકાસ સાથે રસ-રૂચિ પ્રમાણે બાળકને એક માસના વર્ગો કે સમર કેમ્પમાં મોકલવા જોઇએ. બાળકોને વિવિધ ટ્રેકિંગ કેમ્પ, પર્યાવરણમાં અને નદી-નાળાને જંગલોના પ્રવાસમાં તેના જેવડા છાત્રો સાથે મોકલવા જોઇએ. આવા આયોજનમાં એકલા રહેતા શીખે, નેતૃત્વના ગુણો, પોતાનું કામ હાથે કરતા શીખે અને ભાઇચારાની ભાવના વિકાસ થાય છે.

આપણી સંસ્કૃતિ દરેક છાત્રો જાણે, વૃક્ષારોપણ સમાજ સેવા, સફાઇ અભિયાન, લોક સેવા અને પછાત વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા જેવા વિવિધ આયોજન શાળા કક્ષાએ જ ગોઠવવા જોઇએ, કારણ કે તે પણ એક શિક્ષણનો જ ભાગ છે. વેકેશનનો સદ્ઉપયોગ કરવા વાલી અને શાળા બન્ને સાથે મળીને કરે એ અતી આવશ્યક છે. વેકેશનમાં યોજાતી વિવિધ સ્પર્ધામાં ભાગ લેવડાવવો સાથે શહેરના જોવા લાયક સ્થળોએ ફરવા જવું, વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટોરિયમ જેવા સ્થળોની મુલાકાત લેવી જરૂરી છે. સાયન્સ સીટી જોવાથી બાળકને ઘણુ બધુ જાણવા મળે છે. વેકેશન ત્યારનું અને અત્યારનું એમા ઘણો ફેર છે.

સમગ્ર વેકેશનનું પ્લાનીંગ કરવું જરૂરી છે. આગલા ધોરણના પુસ્તકો વાંચવાને ન સમજાય તો શેરીના અન્ય મોટા બાળકો સાથે ચર્ચા પણ કરવી જોઇએ. ટ્રેસ વગરના આ દિવસોમાં ઘણીવાર બાળક આખુ વર્ષમાં ન શીખ્યો હોય તે આ એક માસમાં શીખી જાય છે. મા-બાપે પણ વેકેશન દરમ્યાન બાળકની વધુ કાળજી લેવી જરૂરી છે. બાળા વાર્તાની સાથે દરરોજ 10 નવા શબ્દો  કે ગણિતના કોયડા ઉકેલવા આપવા જોઇએ. જનરલ નોલેજ બાળકનું વધે તે માટેના વિવિધ પુસ્તકો કે પુસ્તકાલયમાં વાંચન શોખ વિકસાવવો.

આજના યુગમાં વેકેશનમાં બાળકે શું કરવું તે સૌ માટે મુંઝવતો પ્રશ્ર્ન છે. વિદેશોમાં તો શાળા કક્ષાએથી વિવિધ આયોજન ફિક્સ થતાં હોય છે. જેમાં ત્યાંની સરકારના વિવિધ વિભાગો પણ ખૂબ જ રસ લેતા હોય છે. આપણે ત્યાં પ્રાઇવેટ મેળા વેકેશનમાં ફૂટી નીકળે છે. આપણું વેકેશન આ મેળામાં ફરવા જવા પુરતું સિમિત છે. આજે વાલીઓ અને છાત્રો વેકેશનમાં કંઇક કરવું એવું સૌ માને છે પણ શું કરવું તેની કોઇને ખબર જ નથી. બાળકોના સંર્વાંગી વિકાસમાં વેકેશનની વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેક્ટનું બહુ જ મહત્વ છે, પણ બાળકોની સાયકોલોજી સમજી શકે તેવા નિષ્ણાંતો કે કોઇ સંસ્થા જ નથી. આજે તો બાળક પ્રવૃત્તિની અછત છે.

સમય બદલાયો તેમ વેકેશન ઉજવણી પણ બદલાતી ગઇ છે. આજના ટેકનોલોજી યુગમાં બાળકના કે મા-બાપના હાથમાંથી મોબાઇલ છૂટે તો તે વેકેશન જલ્વાનો વિચાર કરે ને? વેકેશનમાં બાળકના વિવિધ કૌશલ્યોનો વિકાસ સાથે તેની અભિવ્યક્તિ ખીલવવી જરૂરી છે. શિક્ષણ કાર્ય એક માસ બંધ હોવાથી જો એક લક્ષ્ય પર કાર્ય થાય તો દેશના શ્રેષ્ઠ ભાવી નાગરીકોનું ઘડતર થઇ શકે છે. આજે તો બાળકને રમાડતા-રમાડતા જ જીવન ઘડતર કરી શકાય છે. વિદ્યાર્થીની ઉંમર ગુજરાતી, હિન્દી સાથે અંગ્રેજી ભાષા કૌશલ્યો તથા ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કરવાની છે. વેકેશનમાં પ્રવાસ બાળકને નવી દ્રષ્ટિ આપતો હોવાથી મા-બાપે આયોજન કરવું અતિ જરૂરી છે. પ્રવાસ બાળક માટે શિક્ષણનો એક પાઠ જ છે. આજે ઇન્ટરનેટ પર પ્લે સ્ટોરમાં જઇને ઘણી એપ ડાઉનલોડ કરી તેમાં વિવિધ પ્રિન્ટ કાઢીને બાળકને રમવા આપો કે કલર પૂર્તિ કરાવો.

જૂના જમાનાની ગેમ્સ પણ ડાઉનલોડ કરીને તેની વાત કરો, સમજાવોને તેને રમવા પ્રેરણા આપો. વેકેશન પડે ત્યારનો છાત્રોનો આનંદ અવિરત સમગ્ર વર્ષ જળવાઇ રહે તે જરૂરી આ માટે તેને શિક્ષણનો ભાર ન લાગે તેવી સિસ્ટમ ઉભી કરવી જ પડશે. પર્યાવરણની નજીક લઇ જાવ, પશુ, પક્ષી, જીવજંતુઓ નજારા સાથે કુદરતના ખોળે આનંદોત્સવ કરતો છાત્ર ખૂબ જ વિકસીત થાય છે. આપણાં પ્રાચિન ગ્રંથો રામાયણ, ગીતા અને ચાર વેદોની વાતો બાળકોને કરોને તેને વાંચવા પ્રેરણા આપો. મા-બાપ જો પુસ્તક વાંચતા હશે તો જ બાળક પુસ્તક વાંચવા પ્રેરાશે. આજના મા-બાપો વેકેશનના 30 દિવસમાં એટલા બધા ક્લાસમાં મોકલે છે કે બાળક ઘણીવાર મમ્મીને કહે છે, આના કરતા વેકેશન ન પડતું હોત સારૂં હોત. કંટાળો બાળકનો વિકાસ રૂંધે છે, તો આનંદમય કે જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન જ ખરેખર વેકેશનની સદ્ઉપયોગીતા વધારે છે.

આજનું વેકેશન બાળક માટે મોજ બને છે કે બોજ ?

આજના યુગમાં બાળકને સમર કોચિંગ ક્લાસીઝમાં ઘણું નવું શીખવા મળે છે, પણ જો તેનો અતિરેક થાય તો બાળકને માટે વેકેશન મોજ બનવાને બદલે બોજ બની જાય છે. બાળકના શારિરીક વિકાસ સાથે સામાજીક અને માનસિક વિકાસ થતો હોવાથી મા-બાપે વેકેશનમાં વિશાળ કાળજી લેવી. આજે તો ડાન્સ, કરાટે, મ્યુઝિક, આર્ટ જેવા વિવિધ વર્ગોમાં બાળકને મોકલવાનો સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે. પરાણે મા-બાપ આવા તેને રસ વગરના ક્લાસીઝમાં મોકલી દે પણ બાળક અધવચ્ચેથી તે છોડી દે છે માટે તેને રસ-રૂચિ હોય તેવા આયોજનમાં જોડવો. દેખાદેખીથી કે ફોર્સથી બાળક ક્યારેય ખુશ રહેતા નથી એ જાણવું જરૂરી છે. આજે તો મા-બાપો વેકેશનનો સદ્ઉપયોગ કરવાને બદલે વધુ ઉપયોગ કરવા માંડ્યા છે. મુક્તમને આનંદ, ઉલ્લાસથી રમતા-રમતાં જે પ્રવૃત્તિ બાળક કરે તે જ સાચી વેકેશનની મઝા. વેકેશનમાં પણ તેના રૂટીંગ ટાઇમ ટેબલમાં ફેરફાર ન કરવો. આજના યુગમાં સંતાન રીલેક્સ રહે તે સૌથી અગત્યની બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.