Abtak Media Google News

સિંહોનું વેકેશન પૂર્ણ; દિવાળીની રજામાં સહેલાણીઓ ઉમટી પડશે: બુકીંગ ફુલ

ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહદર્શનનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. લોકોને દિવાળીનું વેકેશન પડશે ત્યારે સિંહોનું વેકેશન પૂર્ણ થતા સહેલાણીઓ સાંસણ ખાતે સિંહદર્શન કરવા ઉમટી પડશે.

સિંહ દર્શન માટે ડીજીટલ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. એટલે કે સિંહ દર્શન માટે ઓનલાઈન બુકીંગ શરૂ  કરવામાં આવ્યું છે. વેકેશન બાદ સહેલાણીઓને સાસણમાં સિંહોની વસ્તીમાં ૩૫%નો વધારો જોવા મળશે.

ચોમાસાની ઋતુ વન્યજીવો માટે સંવનનકાળ ગણવામા આવે છે. આથી આ ચાર મહિના સિંહો પોતાના પરિવાર સાથે રહી વૃધ્ધી કરે છે. આથી આ ચાર મહિના સહેલાણીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. પરંતુ ગઈકાલે ૧૫ ઓકટોબરના રોજ સિંહોનું વેકેશન પૂર્ણ થતા આજથી સવારે છ વાગ્યે સિંહ દર્શનને વિધિવત ખૂલ્લુ મુકાયું છે.

Lions

આ વર્ષે ભારે વરસાદના કારણે જંગલમાં નદી નાળા ખાબોચીયા ઝરણા છલકાયા છે. અને ગ્રીનરી પુષ્કળ પ્રમાણમાં લહેરાઈ રહી છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આથી સહેલાણીઓને ફરવાની ખૂબ મજા પડશે. છેલ્લે નોંધાયેલી સિંહોની સંખ્યા ૫૨૫ જેટલી હતી ત્યારે આ ચાર મહિનાનાવેકેશન બાદ સિંહોની વસ્તીમાં ૩૫% જેટલો વધારો નોંધાયો હોય જેથી નાના સિંહબાળ વધુ પ્રમાણમાં જોવા મળશે.

આ વખતે જંગલમાં સહેલાણીઓ, પ્રવાસીઓ પ્લાસ્ટિકની બોટલો લઈ જઈ નહિ શકે. પર્યાવરણને ધ્યાનમાં રાખી પ્લાસ્ટિક મુકત કરવા આ નિર્ણય લેવાયો છે. તેમજ એન્ટ્રી પાસનું પણ ડિજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે.

સિંહ દર્શનના ઓનલાઈન બુકીંગમાં પણ પડાપડી થઈ રહી છે. દિવાળી સુધી બુકીંગ લગભગ ફૂલ થઈ ચૂકયું છે. આ વર્ષે સિંહ દર્શનની પ્રવાસીઓને કંઈક અલગ જ મજા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.