વાવાઝોડુ પસાર થતા હવે નોર્થ ઈસ્ટ તરફથી પવનો ફુંકાયા ગુલાબી ઠંડીનો અહેસાસ: આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે

મહા વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ જતાની સાથે જ રાજયભરમાં રાજસ્થાન તરફથી નોર્થ ઈસ્ટનાં શિયાળુ પવનો ફુંકાવા લાગતા આજે ઠંડીનો ચમકારો દેખાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વઘ્યું છે. આગામી દિવસોમાં ક્રમશ ઠંડીનું જોર સતત વધતું રહેશે હજી એકાદ અઠવાડિયા સુધી બેવડી સીઝનનો અનુભવ થતો રહેશે ત્યારબાદ શિયાળાની વિધિવત શરૂઆત થશે. આજે સવારે રાજકોટમાં લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. મોડીરાત્રે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

એફકેઝેડ

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્શીયસ જોવા મળ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ સરેરાશ ૬ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૨૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૩૨.૩ ડિગ્રી રહેવા પામ્યું હતું. કાલનું લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનનો પારો ૧ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. વાવાઝોડુ પસાર થતાની સાથે જ હવે રાજયમાં રાજસ્થાન તરફથી નોર્થ ઈસ્ટનાં પવનો ફુંકાવાની શરૂઆત થઈ છે જેને શિયાળુ પવન પણ કહેવામાં આવે છે. આગામી દિવસોમાં ક્રમશ: ઠંડીનું જોર વધશે. ૧૫મી નવેમ્બર પછી શિયાળો ફુલ પ્લેઝમાં દેખાવા લાગશે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાનનો પારો નીચો પટકાયો હતો જેના કારણે સવારનાં સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થતો જોવા મળ્યો હતો. ઠંડીની શરૂઆત થતાની સાથે જ હવે ગરમ વસ્ત્રોની ખરીદીનો દૌર પણ શરૂ થઈ જશે. ગઈકાલ સુધી મહા વાવાઝોડાની અસર હતી જેનાં કારણે રાજયમાં હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજે સંપુર્ણપણે સાયકલોનિક પાસ થઈ ગયું હોય હવે વરસાદની સંભાવના પણ નથી અને ઠંડીનું જોર વધશે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.