રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે બુધવારે સવારે ૧૦.૩૦ કલાકે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અમદાવાદ, સરકારી તાલુકા પુસ્તકાલય – ચોટીલા તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ ચોટીલા દ્વારા ખાસ આ પ્રેરક આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ કરાશે. સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તથા બાળ સાહિત્યનાં રસપ્રદ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ તથા જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની ‘અહિંસા અમૃત વર્ષની ઉજવણી અંતર્ગત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ‘અહિંસા’ વિષય પર સામૂહિક નિબંધ લેખનનું પણ આયોજન કરાયું છે. (નિબંધ સ્પર્ધાના આયોજક : અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ). સુરેન્દ્રનગર સ્થિત જાણીતા લેખક, પત્રકાર મનોજભાઈ પંડ્યા (સનમ) લિખિત નવીન પુસ્તક ‘તમસના અજવાળિયાનું વિમોચન આ અવસરે અહિ કરાશે. સહુ સાહિત્ય-પ્રેમીઓને જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦ ૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર ‘મામા’ (૯૯૭૮૧ ૭૦૯૩૪), અનિશ લાલાણી (૬૩૫૧૭ ૮૬૫૩૭)નો સંપર્ક કરી શકાશે.