રાજકોટમાં તાપમાનનો પારો ગઈકાલ કરતા ૨ ડિગ્રી ગગડયો: ૧૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું
રાજયમાં નવેમ્બર મહિનો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે રહીરહીને મહિનાનાં અંતે શિયાળો થોડો ગણો જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. માત્રને માત્ર વહેલી સવારે અને મોડીરાતે ફુલ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે બાકી બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે ૧લી ડિસેમ્બરથી ઠંડીનું જોર વધે તેવી શકયતા વર્તાઈ રહી છે.
રાજકોટનાં હવામાનની વાત કરીએ તો ગઈકાલે ૨૦ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું જોકે આજે વહેલી સવારે તાપમાનનો પારો ગગડીને ૧૮.૨ ડિગ્રી નોંધાયો હતો અને મહતમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવન ૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાયો હતો. બીજી તરફ રાજયમાં હજુ ખેડુતો ઠંડીની શઆત થાય પછી ઘઉંનું વાવેતર કરવાની રાહ જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ચોમાસું વધુ ચાલ્યું છે તે રીતે શિયાળો પણ લાંબો ચાલી શકે છે. ડિસેમ્બરથી ઠંડી તેની રફતાર પકડશે જે છેક માર્ચ સુધી પણ ચાલી શકે છે અને રવિ પાક માટે સાનુકૂળ વાતાવરણ સર્જાય શકે છે.
રાજયભરમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૯.૫ ડિગ્રી, ડિસાનું ૧૯ ડિગ્રી, વડોદરાનું ૨૦ ડિગ્રી, સુરતનું ૨૩ ડિગ્રી, રાજકોટનું ૧૮.૨ ડિગ્રી, ભાવનગરનું ૨૧.૧ ડિગ્રી, પોરબંદરનું ૨૨.૨ ડિગ્રી, વેરાવળનું ૨૨ ડિગ્રી, દ્વારકાનું ૨૨.૫ ડિગ્રી, ઓખાનું ૨૩.૨ ડિગ્રી, ભુજનું ૧૮.૪ ડિગ્રી, નલીયાનું ૧૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૯ ડિગ્રી, કંડલાનું ૧૮.૧ ડિગ્રી, ગાંધીનગરનું ૧૮.૮ ડિગ્રી, મહુવાનું ૧૯.૯ ડિગ્રી, દિવનું ૨૦.૩ ડિગ્રી, વલસાડનું ૨૦.૬ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું ૨૦.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રભરમાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીનું જોર નહિવત જોવા મળતું હતું જોકે આજે મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ગગડયો હતો. આગામી ડિસેમ્બર માસ કે તેના મધ્યથી ઠંડીનું જોર વધે તેવી પુરેપુરી શકયતા વર્તાય રહી છે અને આ વખતે શિયાળો પણ ચોમાસાની જેમ લાંબો ખેંચાશે જેથી ખેડુતોને પણ શિયાળુ પાક વાવેતર કરવામાં સરળતા રહેશે.