Abtak Media Google News

આર્થિક પછાત વિસ્તારોમાં રહેતા લોકોની ભોજનની ચિંતા દૂર કરાઈ

વૈશ્ર્વિક મહામારી વચ્ચે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સંપૂર્ણપર્ણે ૨૧ દિવસ સુધી ઘરની બહાર બીનજરૂરી નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. ત્યારે લોકો લોકડાઉનને સફળ બનાવવા યોગદાન આપી રહ્યાં છે. જેના કારણે રોડ રસ્તા સજ્જડ સુમસામ બન્યા છે. લોકો ફકત ને ફકત જીવન જરૂરીયાત વસ્તુની ખરીદી માટે જ ઘરની બહાર નીકળી રહ્યાં છે. અન્ય અનિવાર્ય ન હોય તેવા કામો માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. ત્યારે મધ્યમ વર્ગના લોકો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે પરંતુ આર્થિક રીતે પછાત વર્ગના લોકોની ચિંતા વધી છે. જે લોકો દિનરાત મજૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાન  ચલાવે છે તેઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે આ પ્રકારના લોકો ભોજન માટે હાલાકી ન ભોગવે તે હેતુસર પ્રજાની રક્ષક એવી પોલીસ વિભાગ લોકોની વ્હારે આવ્યું છે. અન્નકૂટના માધ્યમથી દરરોજ આર્થિક રીતે પછાત વર્ગ માટે ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

રાજકોટની સાથી સેવા સમીતી, ગુરુનાનક સમીતી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટના સ્લમ વિસ્તારોમાં ગરમાં-ગરમ ભોજન પીરસી લોકોની જઠરાગ્ની ઠારવામાં આવી હતી. રાજકોટના જંકશન પ્લોટ, માધાપર ચોક, મનમોહન માર્બલ, ગ્રીન સિટી પાછળના તમામ સ્લમ વિસ્તારોમાં સ્વાયત સંસ્થાઓ દ્વારા દિવસમાં બે વાર ગરમા-ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ શહેર પોલીસ સંપૂર્ણપણે સહયોગ આપી લોકોની ચિંતા કરી રહ્યું છે.

જ્યારે સ્વાયત સંસ્થાઓ દ્વારા પછાત વિસ્તારોમાં ભોજન પીરસવામાં આવ્યું ત્યારે લોકોએ ઉત્સાહભેર એકી સુરે જય હિન્દ, જય ભારત તેમજ કોરોના હારશે, ભારત જીતશેના નારા લગાવ્યા હતા.

મહામારી વચ્ચે અન્નકૂટ સ્વરૂપે લોકોને હુંફ આપવા પ્રયત્ન કરાયો: સાથી સેવા સમીતી

Vlcsnap 2020 03 26 11H30M41S035

આ તકે સાથી સેવા સમીતીના આગેવાનોએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મહામારી વચ્ચે લોકોને હુંફની જરૂર છે. ત્યારે અમે અન્નકૂટ શરૂ કરી લોકો ભુખ્યા પેટે ન સુવે તેવું ઈચ્છતા હતા જેમાં પોલીસ શાખાએ ખુબજ મદદ કરી છે. જેના પરિણામે સ્વરૂપે અમે રાજકોટના તમામ સ્લમ વિસ્તારોમાં ભોજન પીરસી રહ્યાં છીએ અને લોકોની જઠરાગ્ની સંતોષી રહ્યાં છીએ. જ્યારે અમે લોકોને ભોજન આપવા જઈએ છીએ ત્યારે તેમના ચહેરા પર અલગ જ ખુમારી જોવા મળે છે. એક ભાવ ઉત્પન્ન થાય છે.

જ્યારે અમે ભોજન આપી રહ્યાં છીએ ત્યારે અમને એક અલગ જ સંતોષ થાય છે અને અમે કોરોના સામે ભારતની લડાઈમાં સ્પષ્ટ એવું માનીએ છીએ કે કોરોના હારસે અને ભારત જીતશે. આ તકે તેમણે ‘અબતક’ મીડિયાનો આભાર વ્યકત કર્યો હતો.

આ સમય સાથે મળી એકતા પ્રદર્શિત કરવાનો સમય છે: ગુરૂનાનક સેવા સમીતી

Vlcsnap 2020 03 26 11H30M34S822

મામલામાં ગુરૂનાનક સેવા સમીતી દ્વારા જણાવ્યું હતું કે, ભારતના તમામ લોકોનો સ્વભાવ છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે સૌ કોઈ સાથે મળી એકતા પ્રદર્શિત કરતા હોય છે. ત્યારે ખાસ શીખ સમાજ સૌના સુખે સુખી અને સૌના દુખે દુ:ખી થવામાં માને છે. આવા સમયમાં આર્થિક રીતે પછાત પ્રજાની ચિંતા કરી એક માનવતાની દ્રષ્ટિએ સૌને ભોજન મળી રહે. કોઈ ભુખ્યા પેટે ન સુવે તેવી વ્યવસ્થા કરી ગરમા-ગરમ ભોજન ૨૧ દિવસ સુધી પીરવામાં આવશે. રાજકોટના તમામ સ્લમ વિસ્તારમાં આ કામગીરી શરૂ રાખવામાં આવશે અને જો કોઈ અમને જાણ કરે તો અમે રાજકોટના કોઈપણ વિસ્તારમાં આ સેવા આપવા તૈયાર છીએ. ત્યારે રાજકોટ પોલીસનો પણ અમને ખુબ જ સહયોગ મળ્યો છે.

Img 20200325 211946

ઈશ્ર્વર અમને ભુખ્યા સુવા નહીં દે: સ્થાનિકો

‘અબતક’ની ટીમ દ્વારા જ્યારે સ્લમ વિસ્તારના રહેવાસીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે સૌએ એક સુરમાં કહ્યું કે, જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે સૌના મનમાં એક જ ચિંતા હતી કે, અમે મજૂર વર્ગમાંથી આવીએ છીએ, રોજ કમાઈ રોજ પરિવારનું ગુજરાન ચલાવતા હોઈએ છીએ.ત્યારે ઘરની બહાર નહીં નીકળવાની અપીલ થતાં સૌપ્રથમ પરિવારની જવાબદારી કોણ સંભાળશે. નિર્વહન કેમ થશે તે ચિંતા અમને સૌને સતાવી રહી હતી. પરંતુ હાલ જે રીતે આ સંસ્થાઓ દ્વારા અમને ગરમા-ગરમ ભોજન પીરસ્વામાં આવી રહ્યું છે ત્યારે મને એક વાત યાદ આવે છે કે, ઈશ્ર્વર ભુખ્યા ઉઠાડે છે પરંતુ ભુખ્યા સુવા નહીં દે. આ વાત આજે સાર્થક થઈ છે અને અમે સૌ ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ છીએ કે, કોરોના સામેની લડાઈમાં ભારત જીતે.

લોકો ભુખ્યા ન સુવે તેની ચિંતા કરવી અમારી ફરજ: પીઆઈ એસ.એન.ગડ્ડુ

Vlcsnap 2020 03 26 11H30M11S242

આ અંતર્ગત રાજકોટ ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ્પેકટર એસ.એન.ગડ્ડુએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, સમગ્ર દિવસ દરમિયાન અમે રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરતા હોઈએ છીએ. લોકોને બહાર નહીં નીકળવા અપીલ કરતા હોઈએ છીએ ત્યારે રાજકોટના અમુક પછાત વિસ્તારોમાં મારા ધ્યાનમાં આવ્યા હતા. જે બાદ અમને વિચાર આવ્યો કે, આ પરિસ્થિતિમાં આર્થિક રીતે પછાત લોકો તેમના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશે. આ ચિંતા ઘેરી બની હતી. ત્યારે જ રાજકોટની સ્વાયત સંસ્થાઓ દ્વારા અમને ફોનના માધ્યમથી લોકોને ભોજન પીરસવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી હતી. જે બાદ અમોએ તાત્કાલીક ધોરણે તેમને છુટ આપી પ્રોત્સાહન આપ્યું હતું. જે અંતર્ગત રાજકોટની સાથી સેવા સમીતી, ગુરુનાનક સેવા ટ્રસ્ટ દ્વારા રાજકોટ પોલીસને સાથે રાખી તમામ સ્લમ વિસ્તારોમાં ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ જેટલા દિવસ સુધી લોકડાઉન અમલી રહે તેટલા દિવસ સુધી આર્થિક રીતે પછાત વર્ગ ભુખ્યો ન સુવે તે માટે આ સંસ્થાઓ કાર્યરત છે. ૨૧ દિવસ સુધી સ્વાયત સંસ્થાઓ દ્વારા સવાર-સાંજ તમામ લોકોને અન્નકૂટના માધ્યમથી ભોજન પીરસવામાં આવશે જે કામગીરીને રાજકોટ પોલીસ બિરદાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.