Abtak Media Google News

પ્રાકૃતિક ખેતી થકી પાંચ વર્ષમાં મેળવ્યો મબલખ પાક

એવું કહેવાય છે કે સફળતા એને સરળતાથી વરે છે જે ચોકઠા બહારનું વિચારે છે. અત્યારના સમયમાં મોટાભાગના ખેડૂતો રસાયણના ઉપયોગથી ખેતી કરે છે. ત્યારે હિતેશભાઈ પોતે ખર્ચ વાળી ખેતીમાંથી છૂટવા માટેના ઉપાયો વિશે વિચારવાનું શરૂ કરી, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. અભ્યાસ કર્યો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યુ. હાલ તેઓની ૩૦ વીઘા જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.

Advertisement

વડાલના હિતેશભાઈ દોમડિયા પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત અને પૂરક ખાતર તરીકે જીવામૃતનો ઉપયોગ કરે છે અને વાવણી સમયે બીજને બીજામૃત નો પટ આપી વાવણી કરે છે.

જીવામૃત આપવાથી તેમની જમીનમાં અળસિયા પુષ્કળ માત્રામાં જોવા મળે છે તેથી તેમની જમીન પોચી અને ભર્ભરી બની છે.  તેઓ મિશ્ર પાક પદ્ધતિ અપનાવે છે જેમાં ૩૬ પ્રકારના પાકોનું એક સાથે ઉત્પાદન કરે છે. જેમાં મકાઇ, બાજરો, જુવાર જેવા ધાન્ય પાકો સાથે મગ, અડદ, ચણા જેવા કઠોળ પાકો, તલ જેવા તેલીબિયા પાકો, ગુવાર, કારેલા,   દૂધી, ગલકા જેવા શાકભાજી પાકો અને ગલગોટા જેવા ફૂલ પાકોનું વાવેતર કરે છે.

હિતેશભાઇ પોતાના પાકના રક્ષણ માટે ખાટી છાશનો છંટકાવ કરે છે. જેથી પાકને ફૂગ જન્ય રોગોથી બચાવી શકાય અને જીવાતથી રક્ષણ કરવા માટે ફરતે ગલગોટાનું વાવેતર કરે છે. જેથી કિટકો આકર્ષાય અને ગલગોટામાં ઈંડા મૂકવા જાય જ્યાં તેવો દસ પ્રકારની વનસ્પતિ કે જે પશુઓ આહારમાં લેતા ના હોય તેમાથી બનાવેલ દસપર્ણી અર્ક, લીમડાના પાનમાથી બનાવેલ નિમાસ્ત્ર, લસણ, મરચાં, તમાકુ જેમાથી બનાવેલ અગ્નિઅસ્ત્ર, લિબડો, કરંજ, ધતૂરોથી    બનાવેલ બ્રમ્હા અસ્ત્ર વગેરેનો ઉપયોગ જીવાતોથી રક્ષણ મેળવવા કરે છે.

પ્રાકૃતિક ખેતી કરી ઝેર મુક્ત ખેત પેદાશ પકવી, હિતેશભાઈ ને આટલાથી સંતોષ ન હતો, બાદમાં ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને ગ્રેડિંગ માટેના મશીનો પોતાની જ વાડી પર વિકસાવી તેમાં કઠોળની દાળ બનાવી તેમનું પેકિંગ કરે છે અને અન્ય ખેડૂતો પણ આ મશીનરીનો લાભ લે છે.

આ ઉપરાંત વધુ રોજગારી મળે અને વાડીએ બેઠા તેલ મળી રહે એ માટે ૨૪ કલાકમાં મગફળીનું પિલાણ કરી તેલ કાઢવાની મશીનરી પોતાની વાડી પર જ વિકસાવી છે. તથા ઘઉં અને અન્ય ધાન્ય પાકોના વિણાટ માટે ગ્રેડિંગ મશીનરી વિકસાવેલ છે.  વાવેતરથી માંડીને ઉત્પાદન કરી છેલ્લે મૂલ્યવર્ધન કરી તેમણે પોતાની ખેતપેદાશોનું વેચાણ જૂનાગઢ ના એક મોલ પર આ ખેત પેદાશોનું વેચાણ કરે છે. અને જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના તમામ પ્રાકૃતિક ખેત ઉત્પાદન આ મોલ પર વેંચવા પ્રોત્સાહિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.