Abtak Media Google News

અશ્વગંધા, ચ્યવનપ્રાસ, તુલસી, તજ, કાળામરી જેવી ઔષધીઓ રોગોને નાથવા અત્યંત અકસીર

વિશ્વભરમાં અનેકવિધ પ્રકારનાં વાયરસો જોવા મળે છે. આશરે ૭.૫ હજાર અબજ વાયરસ લોકોને વિવિધ રોગથી પીડાતા જોવા પણ મળે છે તેમાં હાલ કોરોના વાયરસે વિશ્ર્વ આખાને ધમરોળી નાખ્યું છે પરંતુ આ તમામ રોગોનો ઉપચાર આયુર્વેદમાં હોવા છતાં તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે સ્વસ્થતાની તમામ જડીબુટી આયુર્વેદમાં હોવા છતાં વિશ્વ આખુ રોગગ્રસ્ત બન્યું છે અને લોકો આયુર્વેદ નહીં પરંતુ એલોપેથી ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત સિવાય વિશ્વના અન્ય દેશોને પણ ખ્યાલ છે કે તમામ પ્રકારનાં રોગોનો ઉપચાર આયુર્વેદમાં જ જોવા મળે છે પરંતુ તે મુદ્દાને દુર કરી આયુર્વેદની ઘણીખરી પેટન્ટ વિશ્વના દેશોએ એકત્રિત કરી લીધી છે જેથી ભારતને જે લાભ થવો જોઈએ તે સહેજ પણ થઈ શકતો નથી. બીજી તરફ સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે, કોરોના જેવા રોગો સામે લડવા માટે આયુર્વેદ અને યોગ પાવર અત્યંત કારગત ઉપચાર છે છતાં લોકો તેને ઉપયોગમાં લેતા ડરતા હોય તેવા ચિત્રો પણ સામે આવ્યા છે અને સારવાર માટે એલોપેથીને પણ તેઓ અપનાવી રહ્યા છે.

આયુર્વેદ તમામ રોગોને દુર કરવામાં અત્યંત ઉપયોગી અને કારગત હોવા છતાં હાલ રશિયા દ્વારા નિર્મિત સ્પયુટનીક વી રસી ઉપર નિર્ભર રહેવું પડે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી વર્ષ ૨૦૨૧ના જુલાઈ માસ સુધી ૨૦ થી ૨૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે પરંતુ જો આ પૂર્વે આયુર્વેદ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આયુર્વેદની જડીબુટી લોકોને રોગમાંથી મુકિત આપવા માટે સક્ષમ છે. હાલ અશ્ર્વગંધા, બુડુચીઘનાવટી, ચવનપ્રાસ જેવી આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગથી દર્દીઓને અનેકવિધ પ્રકારે રોગોમાંથી મુકિત પણ મળે છે અને રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો જોવા મળતો હોય છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યા મુજબ આ તમામ આયુર્વેદિક ઔષધીઓની સફળતા હાલ સૌથી વધુ જોવા મળી રહી છે પરંતુ લોકોમાં જે જાગૃતતા હોવી જોઈએ તે જોવા મળતી નથી. બીજી તરફ એવા પણ આરોપો લગાવવામાં આવ્યા છે કે કઢાના ઉપયોગથી લોકોના લીવરને ઘણી આડ અસર પહોંચે છે પરંતુ આયુષ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પ્રતિકાર કઢાનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને સહેજ પણ હાની પહોંચાડતું નથી અને લીવર ઉપર પણ કોઈપણ પ્રકારનું જોખમ પણ જોવા મળતું નથી.

આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રતિકાર કઢામાં તુલસી, તજ, કાળા મરી, આદુ અને સુકી દ્રાક્ષનો ઉપયોગ થતો હોવાના કારણે તે લોકોની રોગપ્રતિકારક શકિતમાં અનેકગણો વધારો કરે છે. વધુમાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવા કોઈપણ પુરાવાઓ સામે નથી આવ્યા જેમાં એ સ્પષ્ટ થાય છે કે પ્રતિકાર કઢા લીવર ઉપર જોખમ ઉભુ કરે છે. આયુર્વેદમાં ઘણાખરા એવા ઉપચારો જોવા મળે છે કે જેનો તાગ અથવા તો તેની દવા એલોપેથીમાં ન હોય. સંશોધકો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એન્ટીપાયરેટીક, એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરીયલ દવાઓ આયુર્વેદમાં હોવાના કારણે તબીબી ક્ષેત્રે નવી ક્રાંતિ પણ સર્જી છે. સાથો સાથ લોકોના સ્વાસ્થ્યની જાળવણી પણ આયુર્વેદ દ્વારા કરવામાં આવી છે પરંતુ જાગૃતીના અભાવે જે રીતે આયુર્વેદનો ઉપયોગ થવો જોઈએ તે ન થઈ શકતા લોકોએ એલોપેથી ઉપર સૌથી વધુ પ્રમાણમાં નિર્ભર રહેવુ પડે છે અને શરીરને પણ ઘણી નુકસાની  પહોંચે છે. હાલ કોરોનામાં વિશ્ર્વ આખું જે રીતે રસી શોધવામાં લાગ્યું છે ત્યારે જો આયુર્વેદના ઉપચારને અનુસરવામાં આવે તો વિશ્વની તકલીફમાં પણ અનેકઅંશે ઘટાડો જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.