Abtak Media Google News

જામનગર ના ચનિયારા ગ્રુપ ઉપર ગઈકાલે અમદાવાદ અને રાજકોટની ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે, અને તેઓની કન્સ્ટ્રકશન સાઇટ, બ્રાસ પાર્ટસ એકમ, તેમજ રહેણાંક મકાન સહિત પાંચ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને અંદાજે અઢીસો કરોડના ખોટા બિલો બનાવી ટેક્સ ચોરી કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને લઈને ભારે દોડધામ થઈ છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગર કન્સ્ટ્રક્શન તેમજ બ્રાસના એકમ સાથે જોડાયેલા ચનિયારા ગ્રુપ ના કન્સ્ટ્રકશન સાઈડ તેમજ બ્રાસપાર્ટના એકમો કે,જે દરેડ જીઆઇડીસી ફેઇસ-૨ વિસ્તારમાં આવેલા છે, ઉપરાંત રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા રહેણાક મકાન અને અન્ય ધંધા ના એકમો સહિત જુદા જુદા પાંચ સ્થળોએ રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ અને અમદાવાદની ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.

જે સર્વેની કામગીરી મોડી રાત્રે સુધી ચાલ્યા પછી આજે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે. પ્રાથમિક તપાસમા ઉપરોક્ત પેઢી દ્વારા ખોટા બિલો બનાવીને ટેક્સ ચોરી કરાતી હોવાનું માલુમ પડયું છે, અને ૨૫૦ કરોડથી વધુના ખોટા બિલો બનાવીને ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાનો પ્રાથમિક તપાસમાં અંદાજ મળ્યો છે.

આ ગ્રુપના માલિક સંદીપભાઈ ચનિયારા અને તેની અન્ય પેઢી ના તમામ દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે, અને આજે પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. જે સર્વેની કામગીરી ને અંદાજીત પંદરેક દિવસ જેટલો સમય નીકળી જાય તેવું જાણવા મળે છે. ત્યાર પછી જ કેટલી કર ચોરી કરવામાં આવી રહી છે, તે જાણી શકાશે. જે સમગ્ર મામલે આવક વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.આ દરોડા ને લઈને જામનગરના અન્ય કર ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.