Abtak Media Google News

કેપ્ટન હો તો અજિંકય રહાણે જૈસા !!

ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતની જીત: નવોદિત ખેલાડીઓએ રંગ રાખ્યો

ઓસ્ટ્રેલીયા સામેની ચાર ટેસ્ટની સીરીઝની અંતિમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના નવોદિત ખેલાડીઓએ રંગ રાખતા સીરીઝમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. આજે રમતની શરૂઆતથી જ ખેલાડીઓની પકડ મજબૂત જોવા મળી હતી. પરિણામે અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે. બીજી તરફ સીરીઝ અંકે કરવામાં પણ ભારત સફળ રહ્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતના પીઢ ખેલાડીઓને ઇજાગ્રસ્ત કરીને ઘર ભેગા કરી દીધા હતા અને કેપ્ટન કોહલી પેટરનિટી લીવ પર ઉતરી જતા ટીમની જવાબદારી અજિંક્યા રહાણેને સોંપવાની હતી. રહાણેને કેપ્ટન તરીકે અનેક પડકારોનો સામનો કરવાનો હતો. એક તરફ ઓસ્ટ્રેલિયાના પીઢ, આક્રમક અને અનુભવી ખેલાડીઓ જ્યારે બીજી બાજુ રહાણેએ ફક્ત નવા ખેડલાડીઓને સાથે રાખીને જંગ લડવાનો હતો. પરંતુ રહાણેએ હાર માની નહીં અને નવોદિતોની લડાયક ટીમ તૈયાર કરી હતી અને મેંચ પણ જીતી બતાવી છે. રહાણેએ ખેલદિલીનો અભિગમ તો દાખવ્યો જ સાથોસાથ જીતનું લક્ષ્ય પણ રાખ્યું હતું. રહાણેએ નવી ટીમને તૈયાર તો કરી જ સાથે ચેલેન્જ લેવા માટે પણ તૈયાર કરી અને કેપ્ટનના એક આહવાન પર નવોદિતોની ટીમે ચેલેન્જ લીધી અને પરિણામ એટલે ચોથો ટેસ્ટ મેચ. ચોથા ટેસ્ટ મેચ દરમિયાન મેચ એટલો રસપ્રદ બન્યો કે સમગ્ર દેશના લોકોએ એક વાર તો ચોક્કસ વિચાર્યું હશે કે પીઢ ખેલાડીઓની ટીમને હંફાવી દે તેવી નવી ટીમ ઇન્ડિયા તૈયાર થઈ રહી છે. ’અબતક’ દ્વારા ચોથા ટેસ્ટ મેચ અગાઉ અહેવાલ તૈયાર કરાયો હતો કે, ભારતને ગુમાવવાનું ઓછું પણ નવોદિતો માટે ઉજળી તક તે વાત આજે સ્પષ્ટ થઈ હતી. નવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા ચોક્કસ એક સમય માટે સૌને ભય હતો કે, પીઢ ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ચોથો ટેસ્ટ મેચ કેવી રીતે રમશે ? પણ નવોદિતોની ટીમે ફક્ત મેચ રમ્યો નથી ટીમે ઓસ્ટ્રેલિયા માનસિક રીતે તોડી પણ પાડ્યા છે. ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય ટીમના નવોદિતો સામે ગોઠણીયે આવી ગયા હોય તે રીતે માનસિક પડી ભાંગ્યા હતા. પરિણામે એટેકમાં માનનારી ઓસ્ટ્રેલિયન ટીમ ડિફેન્સમાં રમવા મજબૂર બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયન બોલરોની બોલિંગ પર જો નજર કરવામાં આવે તો આ બાબત પણ સ્પષ્ટ થશે. ઓસ્ટ્રેલિયન બોલરોએ વિકેટ લેવા માટે સ્ટમ્પ પર બોલ ફેંકવાના બદલે મોટા ભાગે બાઉન્સર બોલ્સ નાખ્યા હતા જે સંકેત છે કે, ઓસ્ટ્રેલિયન બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહેતા ભારતીય બેટ્સમેનોને ઇજાગ્રસ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમનું માનસિક રીતે પડી ભાંગવું જ ભારતીય ટીમની સાચી જીત છે અને ત્યારે ચોક્કસ ટીમ ઇન્ડિયા માટે કહી શકાય કે, ’હાર કે જિતને વાલે કો હી બાજીગર કહતે હૈ’.

ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા પ્રથમ તબક્કે ભારતીય ટીમની ટેસ્ટ સિરીઝમાં હારની શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ ટીમનું સુકાની રહાણેએ સાંભળી લેતા ટીમને લડાયક યુવા ખેલાડીઓ મળ્યા છે. હાલની ભારતીય ટીમની જો વાત કરવામાં આવે તો ટીમને શુભમ ગિલના સ્વરૂપમાં વીરેન્દ્ર સહેવાગ મળ્યો છે. જે આકરા સમયમાં અટેકે અને ડિફેન્સ બંને પ્રજારે ઓપનિંગ કરવા સક્ષમ છે. શુભમન ગિલે અંતિમ ટેસ્ટની બીજી ઇનિંગમાં જ્યારે પીઢ ખેલાડી રોહિત શર્માએ ફક્ત ૭ રનમાં વિકેટ ગુમાવી ત્યારે કમાન સાંભળીને ૯૧ રનની અકલ્પનિય પારી રમીને ટીમને મજબૂત શરૂઆત આપી ઓસ્ટ્રેલિયા પર દબાવ ઉભું કર્યું હતું. જે રીતે વર્ષ ૧૯૮૬-૮૭માં નવી ટીમ ઇન્ડિયા બની રહી હતી ત્યારે શરૂઆતના બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થઈ જતા ત્યારે કપિલદેવ સાતમા અથવા આઠમા ક્રમાંકે આવીને ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવતો હતો. તે સમયમાં ટીમનવા મિડલ ઓર્ડરમાં મજબૂત બેટ્સમેન કપિલદેવ મળ્યો હતો અને આજે ટીમ ઇન્ડિયાને કપિલદેવના સ્વરુપમાં શાર્દુલ ઠાકુર મળ્યો છે. ઉપરાંત મજબૂત મિડલ ઓર્ડર માટે વોશિંગટન સુંદરમ પણ મળ્યો છે જે ગમે તે સંજોગમાં દબાણમાં આવ્યા વિના ટીમને જીત અપાવી શકવા સક્ષમ છે. વાત જો બોલિંગ લાઇનની કરવામાં આવે તો મોહંમદ સીરાજના સ્વરુપમાં ટીમને નવો શ્રીનાથ મળ્યો છે જે એક સમયમાં ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર હતો. સીરાજની બોલિંગ સામે જાણે કાંગારુના બેટ્સમેનો ઘૂંટણીયે આવી ગયા હતા.

ટીમને જો આ નવા અને યુવાન લડાયક ખેલાડીઓ મળ્યા છે તો તેનો શ્રેય આઈપીએલને જાય છે. આઈપીએલને કારણે દેશના ખૂણેખૂણામાંથી ટીમને યુવા પ્રતિભાઓ મળી છે અને આજે આ યુવા પ્રતિભાઓ જાણે કમાલ કરી રહ્યા છે. હાલ વિરોધી ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પણ ભારતની નવોદિતોની ટીમની પ્રસંશા અને ઓસ્ટ્રેલિયન ટીમની નિંદા કરી રહ્યા છે. પોન્ટિંગએ કહ્યું છે કે, ભારતના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા અમને ચોક્કસ એવું લાગ્યું હતું કે, અંતિમ મેચ ભારત માટે ખૂબ આકરો સાબિત થશે પરંતુ પરિસ્થિતિ હાલ વિપરીત છે. મેચ આકરો ચોક્કસ છે પરંતુ ઓસ્ટ્રેલિયા માટે છે.

એકના એકવીસ ગોરી ગરબો આયો રે…

જે રીતે ટીમના પીઢ અને અનુભવી ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા અને ટીમમાં ખેલાડીઓની પણ અછત ઉભી થવાની સંભાવના ઉભી થઈ ત્યારે કપ્તાન રહાણેએ નવોદિતોની લડાયક ટીમ ઉભી કરી છે. ભારતને હાલ નવા ચાર પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે જેઓ એકલા હાથે ટીમને જીત અપાવવા સક્ષમ છે. આ ખેલાડીઓમાં વીરેન્દ્ર સહેવાગ સ્વરૂપ શુભમ ગિલ, કપિલદેવ સ્વરૂપ શાર્દુલ ઠાકુર, મિડલ ઓર્ડરમાં સુંદરમ અને બોલરમાં મોહંમદ સીરાજનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કારણે ભારતને નવી ટીમ ઇન્ડિયા મળી છે અને જુના ખેલાડીઓના અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.