મહાપાલિકા માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય સોમવારથી પ્રચાર-પ્રસાર જોર પકડે તેવી સંભાવના ડોર ટુ ડોર પ્રચારમાં પણ નિયમો રખાયા હોવાના કારણે આ વખતે ડિજિટલ પ્રચાર પર વધુ ભાર મુક્વો પડશે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત ૨૩મી જાન્યુઆરીએ મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની છ મહાપાલિકા માટે મતદાન યોજાવાનું છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સોમવારથી પ્રચાર-પ્રસાર જોર પકડે તેવી શકયતા જણાય રહી છે. ૧૯મીએ સાંજે પ્રચારના ભુંગળા શાંત કરી દેવાના હોય પ્રચાર માટે ઉમેદવારોને રોકડા ૧૩ દિવસ જ મળશે.

વોર્ડનો વિસ્તાર વધ્યો છે અને બીજી તરફ કોરોનાના કારણે ડોર ટુ ડોર પ્રચાર માટે કેટલાંક નિયમો જાહેર કરવામાં આવ્યો હોય. આવામાં ઉમેદવારો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો છે. ડિજીટલ પ્રચાર પર વધુ ભાર મુકવો પડે તેવું લાગી રહ્યું છે.

સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોને ૨૦ થી ૨૫ દિવસનો સમય મળી જતો હોય છે.

આ ઉપરાંત અમુક વોર્ડમાં ઉમેદવારોના નામ અગાઉથી જ ફિક્સ હોવાના કારણે તેઓ મહિના અગાઉ પ્રચાર કાર્યમાં લાગી જતાં હોય છે પરંતુ ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા કેટલાક નવા નિયમો ઘડ્યા હતા જેના લીધે દરેક મહાપાલિકામાં વોર્ડમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. જેને નિશ્ર્ચિત મનાતા હતા તે હવે માર્ગદર્શક બની ગયા છે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને મંગળવારે ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાનો અંતિમ દિવસ હોય. બુધવારથી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. આગામી સોમવારથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા લડવૈયાઓ જોર-શોરથી પ્રચાર શરૂ કરી દેશે.

તમામ મહાનગરપાલિકાની હદમાં વધારો થયો છે. વોર્ડનો વિસ્તાર વધતા હવે વધુ દિવસો પ્રચાર માટે મળવાના બદલે ખુબજ ઓછા દિવસો મળ્યા છે. ચૂંટણી પ્રચાર માટે રોકડા ૧૩ દિવસ જ હાથમાં હોવાના કારણે ઉમેદવારોએ આજથી જ જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવો પડશે. કોરોના ગાઈડ લાઈનના કારણે ડોર ટુ ડોર પ્રચાર પર કેટલીક પાબંદી લગાવવામાં આવી હોય આ વખતે ડિજીટલ પ્રચાર પર જોર મુકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.