Abtak Media Google News

૧૩મી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: ૧૫મી ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી, ૧૬મી સુધી ફોર્મ ભરત ખેંચી શકાશે, ૨૮મીએ મતદાન અને બીજી માર્ચે મત ગણતરી

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. દરમિયાન રાજ્યની ૫૫ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયત  અને ૨૩૧ તાલુકા પંચાયત માટે આગામી સોમવારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. ૧૩મી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે ૨૮મી ફેબ્રુઆરીએ મતદાન અને ૨જી માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે. પંચાયત અને પાલિકા માટે ઉમેદવારો ફાઈનલ કરવા માટે ભાજપ દ્વારા આવતીકાલથી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ઉમેદવારો ફાઈનલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત ૨૩મી જાન્યુઆરીના રોજ રાજ્યની છ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. ગત સોમવારે મહાપાલિકાની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ આજે મહાપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આગામી સોમવારે ૫૫ નગરપાલિકાઓની ૨૦૬૮ બેઠક, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક અને ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૮ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ૧૩મી ફેબ્રુઆરી સુધીમાં નામાંકન પત્ર દાખલ કરી શકશે. ૧૫મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર ચકાસવામાં આવશે અને ૧૬મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. પંચાયત અને પાલિકા માટે ૨૮મી ફેબ્રુઆરીના રોજ સવારે ૭ વાગ્યાથી લઈ સાંજના ૬ સુધી મતદાન યોજાશે. જો પુન: મતદાનની જરૂર ઉભી થશે તો ૧લી માર્ચના રોજ મતદાન કરાવવામાં આવશે. બીજી માર્ચે સવારે ૮ કલાકથી નિયત કરાયેલા સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાંચમી માર્ચના રોજ પૂર્ણ થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ગઈકાલે એવી સત્તાવાર ઘોષણા કરી હતી કે, શુક્રવારે ભાજપ છ મહાનગરપાલિકાની ૫૭૬ બેઠકો પૈકી ૫૭૫ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરી દેશે પરંતુ અલગ અલગ કારણોસર એકમાત્ર રાજકોટ મહાનગરપાલિકાને બાદ કરતા એક પણ મહાપાલિકામાં તમામ બેઠકો માટે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરી શક્યા ન હતા. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપના ૭૨ ઉમેદવાર, જામનગરમાં ભાજપના ૫૯ ઉમેદવાર, સુરતમાં ૮૨ ઉમેદવાર, ભાવનગરમાં ૮ ઉમેદવાર અને વડોદરાના ૮૨ ઉમેદવારો ફોર્મ ભરશે.

જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકા માટે ઉમેદવારોના નામો નક્કી કરવા કાલથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો ધમધમાટ શરૂ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં પાર્ટીદાર અનામત આંદોલનના કારણે ભાજપે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. આ વખતે ઉમેદવારોની પસંદગી અંગે ભાજપ ખુબજ સાવચેતીથી ચાલશે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા જે પોલીસી ઘડવામાં આવી છે તેને વળગીને જ ઉમેદવારો નક્કી કરાશે.

ઉમેદવારો નક્કી કરવા કાલથી ચાર દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ

રાજ્યની ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી માટે આગામી સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ થઈ રહ્યું છે ત્યારે ઉમેદવારો નામ નક્કી કરવા માટે આવતીકાલથી સતત ચાર દિવસ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં રોજ અલગ અલગ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને સાંભળી ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવશે. આવતીકાલે સવારે ૯:૩૦ કલાકે રાજકોટ જિલ્લાનો વારો છે જેમાં ભાગ લેવા માટે આજે સાંજે જ જિલ્લાના હોદ્દેદારો ગાંધીનગર પહોંચી જશે અને નિરીક્ષકો સાથે બેસી પેનલના નામો ફાઈનલ કરશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન જે કાર્યકરોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યકત કરી છે તે પૈકીના કાર્યકરોની પસંદગી કરવામાં આવશે. જો કે, ઉમેદવારો નક્કી કરવા પક્ષે જે નીતિ નિયમ નક્કી કર્યા છે તેની મોડે-મોડે જાહેરાત કરાતા છેલ્લી ઘડીએ પેનલની ડિઝાઈનમાં ફેરફાર કરવાની જરૂરીયાત પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.