શહેરના અનેક મહાનુભાવો, ઉઘોગપતિઓ, સેલિબ્રિટીઓ વગેરે જરૂરિયાતમંદો સુધી ડોનેશન પહોંચાડવાની ઝુંબેશમાં થશે સહભાગી
રોટરી કલબ અને સાઇકલ કલબનું અદભૂત આયોજન
તમારી સાયકલનું એક પેડલ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી દવા પહોંચાડવાનું માઘ્યમ બનશે: આયોજક
શહેરમાં અત્યારે ઘેર-ઘેર જેટલા વ્યક્તિ હશે તેના કરતાં વધુ વાહનોની સંખ્યા વધી જતાં પ્રદૂષણની માત્રામાં પણ જોરદાર વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબ દ્વારા બીડું ઝડપી લઈ શહેરીજનો સાઈકલ ચલાવવા પ્રત્યે પ્રેરાય તે માટે સાઈકલોફનનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ આ વર્ષે સતત પાંચમી વખત સાઈકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે રાજકોટ સહિત દેશમાં કોરોનાની કપરી પરિસ્થિત પ્રવર્તી રહી હોવાને કારણે આ વખતની સાઈકલોફનને વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવી છે. દરમિયાન રવિવારે આખો દિવસ ચાલનારી આ સાઈકલોફનમાં ભાગ લેવા માટે રાજકોટ સહિત દેશ-વિદેશના સાઈકલીસ્ટોએ અદમ્ય ઉત્સાહ દાખવતાં આયોજકોમાં પણ નવા જોમનો સંચાર થવા પામ્યો છે.
આયોજકોએ જણાવ્યું હતું કે આવતીકાલે રાજકોટમાં વિશ્ર્વની સૌથી મોટી સાઈકલોફન યોજાશે અને તેમાં વિદેશી સાઈકલીસ્ટો પણ ભાગ લેશે. સાઈકલીસ્ટોને અપીલ કરતાં આયોજકોએ એમ પણ જણાવ્યું હતું કે તમે તમારી સાઈકલને મારેલું એક પેડલ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી દવા પહોંચવાનું ઉમદા માધ્યમ બનશે તેથી શહેરના દરેક વ્યક્તિએ આ સાઈકલોફનમાં ભાગ લેવો જ જોઈએ. ઉલ્લેખનીય છે કે જે સ્પર્ધકો સાઈકલ ચલાવશે તેમને રોટરી-3060 અને ઈવેન્ટના મુખ્ય આયોજક એવા બાનલેબ તરફથી પ્રતિ કિલોમીટરદીઠ રૂા.1ની દવા આપવામાં આવશે તેમજ એલીગન્ટ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા પણ આ ઈવેન્ટમાં કો-સ્પોન્સર દ્વારા યોગદાન આપવામાં આવ્યું હોવાથી જો સ્પર્ધકો પાંચ લાખ કિલોમીટર સાઈકલ ચલાવશે તો તેના વળતર સ્વરૂપે રૂા.5 લાખની દવા રોટરી ક્લબને આપવામાં આવશે અને બદલામાં રોટરી ક્લબ દ્વારા આ દાનની રકમમાંથી જરૂરિયાતમંદ લોકોને દવાઓ સહિતની પાયાની સવલતો પૂરી પાડવામાં આવશે.
આ ઇવેન્ટમાં 104 રોટરી કલબ ભાગ લેશે. ખાસ કરીને સાઇકલ ક્લબ દ્વારા દેશના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં નિયુક્ત કરાયેલા 100 થી વધુ સાઇકલ એમ્બેસેડર પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ દેશભરમાં “સાઈકલોફન-રાજકોટ”નો પ્રચાર અને પ્રસાર કરશે.
તેઓએ ઉમેર્યું કે રાજકોટમાં આયોજિત આ સાઈકલોફનને વિશ્ર્વની સૌથી મોટી સાઈકલોફનનો દરજ્જો આપવા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ-યુ.કે.માં દાવો કરવામાં આવ્યો છે. તમે સાઈકલિંગ કરો, અમે દાન કરશું તેવા ઉમદા હેતુથી આયોજિત કરાયેલી આ ઈવેન્ટમાં બહોળી સંખ્યામાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે.
ખાસ કરીને શહેરના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે 100 કિલોમીટરની કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી તેઓ રવિવારે 100 કિલોમીટર સાઈકલ ચલાવશે તેવું પણ આયોજકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ સહિતના આ સાઈકલોફનમાં ભાગીદાર થઈને શહેરને પ્રદૂષણમુક્ત અને જરૂરિયાતમંદ લોકો સુધી ડોનેશન પહોંચાડવાની આ ઝુંબેશમાં સહભાગી બનશે.
હજુ પણ જો કોઈ સાઈકલવીર રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયા હોય તો તેઓ ૂૂૂ.ભુભહજ્ઞરીક્ષ.જ્ઞલિ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.
સાઈકલોફનમાં કેવી રીતે ભાગ લઈ શકાશે ?
સાઈકલવીરે સૌથી પહેલાં ઉપરોક્ત વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી તા.7ને રવિવારે સાઈકલીસ્ટ તેમની અનુકુળતા અનુસાર ઘરના પટાંગણમાં કે ઘરની આસપાસના વિસ્તારમાં સરકારની માર્ગદર્શિકાને અનુસરીને સાઈકલ ચલાવવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો ગૂગલ ફીટ, ગાર્મીન, મેપ માય રન, સેમસંગ હેલ્થ, એપલ એક્ટિવિટી સહિતની એપ્લીકેશનના માધ્યમથી પોતાની સાઈકલ ચલાવવાની એક્ટિવીટીને રેકોર્ડ કરીને મોકલાવી શકશે. આ પછી ભાગ લેનારા સ્પર્ધકોને એક ઈ-મેઈલની લીન્ક પ્રાપ્ત થશે તેમાં સ્પર્ધકોએ સવારી પૂર્ણ કર્યા પછીનો સ્ક્રીનશોપ અપલોડ કરવાનો રહેશે. સ્ક્રીનશોટ અપલોડ કરવાની લીન્ક તા.7થી ઓનલાઈન થશે અને દરેક સ્પર્ધકે એક જ વખત સ્ક્રીનશોટ અપલોડ કરવા અનુરોધ કરાયો છે.