Abtak Media Google News

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે શેરબજારમાં મંદીની મોકાણ સર્જાય હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી ભારતીય શેરબજારના મુખ્ય બંને આગેવાનો ઈન્ડેક્ષો તોતીંગ કડાકા સાથે ખુલ્યા હતા. વેચવાલીનું દબાણ વધવાના કારણે બપોર સુધીમાં મંદીએ અજગરી ભરડો લઈ લીધો હતો. જે રીતે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર 40 હજારની સપાટી સુધી નીચે પટકાશે.

આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષો રેડ ઝોનમાં ખુલ્યા હતા. કોરોનાના સંક્રમણના કારણે અલગ-અલગ રાજય દ્વારા કડક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે જેના કારણે બજારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રોજ 300-400 પોઈન્ટનો વધારો-ઘટાડો જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા બાદ સતત વેચવાલીનું દબાણ વધવાના કારણે બપોરે મંદીએ વિકરાળરૂપ ધારણ કરી લીધું હોય તેમ 900 થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો તો નિફટીમાં પણ 273 પોઈન્ટનો તોતીંગ કડાકો જોવા મળ્યો હતો. બેંક નિફટી પણ ઉંધા માથે પટકાઈ હતી. નિફટી મીડકેપ-100 ઈન્ડેકસ પણ રેડ ઝોનમાં ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આજની જોરદાર મંદીમાં પણ શિપલા, એશિયન પેઈન્ટ અને પાવર ગ્રીડ જેવી કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળા નોંધાયા હતા તો ટાટા સ્ટીલ, હિન્ડાલકો, અદાણી પોર્ટ અને ટાટા મોટર્સ જેવી કંપનીઓના શેરના ભાવમાં તોતીંગ કડાકો બોલ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે 3:15 કલાકે સેન્સેકસ 907 પોઈન્ટના કડાકા સાથે 49,143 પોઈન્ટ પર અને નિફટી 273 પોઈન્ટના કડાકા સાથે 14,544 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યું છે. જે રીતે બજારમાં મંદીનો માહોલ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં સેન્સેકસ ફરી 40 હજારની સપાટીએ ન આવી જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.