Abtak Media Google News

જુનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના હવે બેકાબુ અને બેખોફ રીતે દિન પ્રતિદિન ભયંકર રીતે લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ત્યારે  ગઈકાલે જૂનાગઢ શહેરના 2 મળી જિલ્લાના કુલ 4 દર્દીનો કોરોના એ ભોગ લીધો છે અને  છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના રેકર્ડ બ્રેક 102 લોકો સહિત જિલ્લાના રેકર્ડ બ્રેક 202 લોકોને ઝપેટમાં લઇને કોરીનાએ પોઝિટિવ બનાવી દેતા સમગ્ર સોરઠ પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવી દિધો છે, સતત વધતા જતા કોરોના કેસના કારણે  જિલ્લા તંત્ર પણ સતત દોડતું રહ્યું  છે, શહેર તથા જિલ્લામાં એકપણ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખાટલા નથી તો એક પણ કેર સેન્ટરમાં જગ્યા નથી .

જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા વીસેક દિવસથી કોરોના કૂદકે ને ભૂસકે લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેને લઇને શહેરમાં અને જિલ્લામાં  પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. છેલ્લા નવ દિવસથી 100 થી વધુ દર્દીઓ કોરોના ગ્રસ્ત રહ્યા છે, ત્યારે ગઈકાલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 2, માળીયા તાલુકાના 1 અને કેશોદ પંથકના 1 દર્દી મળી કોરોના ગ્રસ્ત કુલ 4 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે  જૂનાગઢ શહેરના 102, જૂનાગઢ તાલુકાના 1, કેશોદ તાલુકાના 69, ભેસાણ તાલુકાના 2,  માળિયા તાલુકાના 2, માણાવદર તાલુકાનાં 5, મેંદરડા તાલુકાનાં 3, માંગરોળ તાલુકાના 4 અને  વંથલી તાલુકાના 17 મળી કુલ 202 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 120 દર્દીઓને ગઈકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

આ સિવાય ગઈકાલના  સરકારી આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં કુલ 136 ઘરને ક્ધટેનમેન્ટ જાહેર કરાયા છે અને આ ક્ધટેનમેન્ટ એરિયાના 1378 લોકોને ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથોસાથ કોરોનાને ફેલાતો રોકવા ગઈકાલે જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં 2,715 લોકોને કોરોનાના વેકશિન અપાતા અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 2.39 લાખ લોકોએ કોરોના વેકશિન લઈ લીધી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.