Abtak Media Google News

પાલનહારની સૃષ્ટિમાં મનુષ્યને સૌથી વધુ બુદ્ધિશાળી, ચતુર અને ભુલોમાંથી શિખામણ લઈ લઈને આજની આધુનિક દુનિયાની સભ્ય સંસ્કૃતિ બનાવવામાં સફળતા મળી છે. સર્વજીવ પ્રાણી સજીવમાં માણસ જ વિચારવાની, અભિવ્યક્તિની અને આયોજનની ક્ષમતા રાખે છે. તેથી જ માનવ સમાજ ઉપર આવતી આપતી મહામારીઓમાંથી માનવી સાંગોપાંગ પાર ઉતરી જાય છે. ભુલ કરવી એ સાહજીક ગણાય પરંતુ ભુલનું નિરંતર પુનરાવર્તન કરવું એ માણસ જાત વિરુધ્ધની પ્રક્રિયા ગણાય. અત્યારે કોરોના કટોકટીના આ સમયગાળામાં મહામારીને નાથવા માટે સમગ્ર વિશ્ર્વમાં જે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે તે જોતા અગાઉની બિમારીઓની જેમ કોરોના પણ એક દિવસ જરૂરથી સંપૂર્ણપણે ‘સાધ્ય’ અને ‘સામાન્ય’ વ્યાધિ બની જશે. અલબત અત્યારે કોરોનામાં જો સાવચેતી ન રાખો તો જીવલેણ બની રહે છે. પ્રથમ લહેરના કોહરામ બાદ એક પછી એક લહેરો આવતી જાય છે અને તે અગાઉ કરતા વધુ ઘાતક પુરવાર થઈ રહી છે ત્યારે કાળા માથાના માનવીએ અવશ્યપણે એ વિચારવું જોઈએ કે, કોરોનાની આ લહેર ઘાતક કેમ બનતી જાય છે. કોરોનાની આ ફાવટ પાછળ કોણ જવાબદાર છે.

પ્રથમ લહેર વખતે કોરોનાની ઓળખ, તેના લક્ષણો, તેના ઈલાજ કે દવાની કોઈ ઉપલબ્ધી હતી નહીં. પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. અત્યારે કોરોનાની રસી, સારવાર વ્યવસ્થા અગાઉની લહેરનો અનુભવ જેવા અસરકારક હથિયારો હોવા છતાં તાજેતરની લહેર વધુ ઘાતક પુરવાર થઈ રહી છે. બીજી લહેર ખતરનાક બનવા પાછળનું કારણ શું. બીજી લહેરને ખતરનાક બનાવવામાં ગફલત, બેદરકારી, મુખાર્મીપણુ અને ક્યાંકને ક્યાંક સ્વાર્થી રાજકારણને જવાબદાર લેખવામાં આવી રહી છે.

પાંચ રાજ્યોની મુખ્ય ચૂંટણી અને 9 રાજ્યોની પેટા ચૂંટણીમાં જ્યારે ભીડ ભેગી કરવાના ભય સ્થાનોને નજર અંદાજ કરવામાં આવ્યા. ચૂંટણી પ્રચારના મેળાવડા, જાહેરસભાઓ અને રેલીઓથી વાયરસ સુપર સ્પ્રેડર બન્યાની હકીકત સામે આવી છે.

કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી જ તેની એક લાક્ષણીકતા ઓળખાઈ ગઈ હતી કે, આ રોગ નફ્ફટ નથી. વગર બોલાવ્યે ક્યાંય જતો નથી. તેને બહારથી તેડીને ઘેર લઈ જવાય તો જ પરિવારમાં પહોંચે. સોશિયલ ડિસ્ટન્સ, ભીડ અને મેળાવડા ન થાય તો કોરોના આપમેળે ક્યાંય જતો નથી. પરંતુ એક લહેરમાં ઠોકર ખાઈને પણ સુધરવાની તક ન ઝડપી લેનાર સમાજને બીજી લહેરની ઘાતકતાની કિંમત ચૂકવવી પડે છે. રાજકારણમાં કોઈ મિત્ર કે શત્રુ હોતુ નથી. દરેકને હિત હોય છે. ત્યારે સત્તા મેળવવા હરિફોને મહાત કરવામાં ભલે પોલીટીક્સ આવકાર્ય હોય પરંતુ રાજકીય મંચ લોકતંત્રનો એક મુખ્ય આધાર અને જવાબદાર પરિમાણ ગણવામાં આવે છે ત્યારે કોરોનાની આ મહામારીમાં માથા ભેગા કરવાની લાહ્યમાં રાજકીય પક્ષો અને વ્યક્તિઓએ જે રીતે કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કર્યું. પ્રજાને જાનના જોખમનું પરવાહ કર્યા વગર એકઠી કરવાનું જે પાપ કર્યું છે.  તેને કોરોનાની લહેરને ઘાતક બનાવવાના અપરાધી માનવામાં આવે છે. રાજકારણ, સમાજ, દેશ અને લોકતંત્રની ઉન્નતિનું કારણ બનવું જોઈએ. કોરોનાના આ કપરા કાળમાં ચૂંટણીનું રાજકારણ અનેક લોકો માટે મોતનું કારણ બની ગયું છે. આ પાપનું કોણ જવાબદાર ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.