Abtak Media Google News

રાજકોટ કોરોનાની મહામારીના કારણે ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી મીની લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેના કારણે અનેક ધંધો હજી પણ બંધ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ,એમ્યુઝમેન્ટ પાર્ક વોટર પાર્ક,રિસોર્ટસ, સિનેમાઘર ,મલ્ટિપ્લેક્સ અને જીમ સંચાલકોએ આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે.રાજકોટમાં મહાપાલિકાના ચોપડે નોંધાયેલી 158 હોટલ અને 84 રેસ્ટોરન્ટને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ મળશે. જેના કારણે મહાપાલિકાની રૂપિયા 3 કરોડનું નુકસાન વેઠવું પડશે.

Advertisement

20 જીમ, 4 સિનેમાઘર, 3 મલ્ટિપ્લેક્સ અને 2 એમ્યુઝમેન્ટ પાર્ક-વોટર પાર્કના સંચાલકોએ પણ આ વર્ષે મિલકતવેરા નહીં ભરવો પડે: કોર્પોરેશનને ત્રણ કરોડનું નુકસાન

આ અંગે ટેક્સ બ્રાન્ચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં કુલ 158 હોટલ આવેલી છે.જેની પાસેથી પ્રોપર્ટી ટેક્સ પેટે બે કરોડ 6 લાખ રૂપિયાની આવક થવા પામે છે. શહેરમાં 84 રેસ્ટોરન્ટ આવેલા છે તેની પાસેથી પ્રોપર્ટી ટેક્સ પેટે 32 લાખની વસૂલાત કરવામાં આવે છે જ્યારે એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટરપાર્કની સંખ્યા માત્ર બે છે જેની પાસેથી મહાપાલિકાને સાત લાખનો પ્રોપર્ટી ટેક્સ મળે છે. મહાપાલિકાની હદમાં એક પણ રિસોર્ટ આવેલું નથી.ચાર સિનેમાઘરો પાસેથી મહાપાલિકાને વર્ષે ચાર લાખ રૂપિયાની વેરા પેટે આવક થવા પામે છે.જ્યારે 3 મલ્ટિપ્લેક્સ પાસેથી રૂપિયા 43 લાખ અને મહાપાલિકાની હદમાં આવેલા 20 જીમ પાસેથી મિલકતવેરા પેટે રૂપિયા નવ લાખની આવક થવા પામે છે.

હોટલ રેસ્ટોરન્ટ એમ્યુઝમેન્ટ પાર્ક વોટર પાર્ક સિનેમાઘર મલ્ટિપ્લેક્સ અને જેમની કુલ સંખ્યા કે જે મહાપાલિકાના ચોપડે નોંધાયેલી છે કે 271 જેવી થવા પામે છે.જેની પાસેથી વર્ષે દહાડે ટેક્સ બ્રાન્ચ રૂપિયા ત્રણ કરોડ અને એક લાખનો મિલકત વેરો વસૂલ કરે છે. આ વર્ષે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા લદાયેલા મીની લોકડાઉનના કારણે આ ક્ષેત્રે પારાવાર નુકસાની વેઠવી પડી છે.જેને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી દ્વારા આ તમામને ચાલુ સાલ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેનો લાભ શહેરમાં કુલ 271 એકમોને મળશે.જેથી મહાપાલિકાની તિજોરીને ત્રણ કરોડથી વધુની નુકસાની વેઠવી  પડશે. જોકે આ નુકસાનીની રકમ સરભર કરી દેવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.