Abtak Media Google News

માણસની અંદર રહેતા દૂષણોનો સંહાર કરીને આત્માને ન્યાય આપવાની શરૂઆત કરીએ : મીતલ ખેતાણી

ભારતના બંધારણમાં મનુષ્યને મુળભૂત અધિકાર અપાયા છે સાથોસાથ આપણે એ ના ભૂલવું જોઇએ કે, સૃષ્ટિતે ચલાવવા પશુ, પંખી અને પ્રાણીઓ પણ કોઇના કોઇ રીતે નિમિત બને છે

“વર્લ્ડ ડે ફોર ઇન્ટરનેશનલ જસ્ટીસ” દર વર્ષે 17 જુલાઈનાં દિવસે ઉજવવામાં આવે છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમીનલ જસ્ટીસ ડે અથવા ઇન્ટરનેશનલ જસ્ટીસ ડે પણ કહેવાય છે. આ ન્યાયનો દિવસ છે. મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં ન્યાય માટેની જાગૃતતા ફેલાય તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, લિંગ કે શારીરિક જાતિભેદ વેગેરે વિષયો પર અનિચ્છનીય પ્રકારે ચાલી રહેલી તમામ બાબતોનો વિરોધ કરવા તેમજ ન્યાય મેળવવાનાં હેતુથી સમગ્ર સૃષ્ટિને જાગૃત કરવાનો આ દિવસ છે.

સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદ અવિરત રહે તે માટે સર્વે એકત્ર થઈને ન્યાયની માંગણી કરે છે. ન્યાય વિષે જો ઊંડાણમાં અભ્યાસ કરીએ તો ભારતનાં બંધારણમાં મનુષ્યને મૂળભૂત અધિકારો આપ્યા છે. સ્વતંત્રતા, સમાનતા, શિક્ષણ મેળવવાનો અધિકાર જેવા અધિકારોનો માણસ સર્વ રીતે ઉપયોગ કરે છે, પરંતુ સૃષ્ટિમાં માત્ર મનુષ્ય જ નથી રહેતા એ વાત ખાસ નોંધી લેવા જેવી છે. મનુષ્ય સાથે સૃષ્ટિમાં પશુ, પંખી, પ્રાણી તમામ એકીસાથે વસવાટ કરે છે. આ તમામ મનુષ્યની સાથે સાથે જ સૃષ્ટિને ચલાવવામાં કોઈ ન કોઈ રીતે નિમિત્ત બને છે.

વળી મનુષ્યનું તો અસ્તિત્વ જ પશુ-પક્ષીઓ પાસેથી મળી રહેતી સાધન સામગ્રીઓથી જ ટકી રહ્યો છે. આવા સમયે માણસની માફક તેઓ પણ ન્યાયનાં એટલા જ અધિકારી છે તેવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી. કોઈ ન કોઈ રીતે જોવા જઈએ તો એ બાબત સત્ય જ છે કે માનવ જાતની ખુબ મોટી, ગંભીર ભૂલો છે જેનાં કારણે કોરોના જેવી બીમારીઓ અસ્તિત્વમાં આવી છે માટે વર્તમાન સમયથી જ  માણસે સમગ્ર સૃષ્ટિનું જતન કરવું જ રહ્યું.

આ વિશ્વ ન્યાય દિવસ પર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા જેવા દુષણોને દુર કરવાની સાથે સાથે માણસની અંદર રહેલા દુષણોનો પણ સંહાર કરીને આત્માને ન્યાય આપવાની શરૂઆત કરીએ. સમગ્ર સૃષ્ટિ એક છે. વિશ્વનાં બધાં જ પ્રાણીઓ જીવન માટે એકમેક પર આધાર રાખે છે માટે સૌ નું રક્ષણ કરીએ અને પાપ, પુણ્ય જેવા સીમાડાઓથી દુર રહીને આત્માને સંતોષ આપતા કાર્યો કરીએ, જેથી સાચા અર્થમાં ન્યાય આપીને ન્યાય મેળવી શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.