Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

આજના આધુનિક ગણાતા ડિજિટલ યુગમાં બેંકિંગ, પોસ્ટ સહિતની તમામ સેવાઓ ઘેરબેઠા મળતી થઈ છે. પરંતુ આ સેવાઓને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા પર સરકાર પર વધુ ભાર મૂકી રહી છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેંકોની સેવા અને સુવિધાની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામને ઈઝ-4.0 લોન્ચ કરી અતિ મહત્વની જાહેરાતો કરી હતી.

ઈઝ-4 એટલે કે એનહાન્સ્ડ એસેસ સર્વિસ એક્સેલેન્સ કે જેના પ્રથમ તબક્કાને જાન્યુઆરી-2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ આ પ્રોજેક્ટના ચોથા તબક્કાને રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને બેન્કિંગ સેવાઓને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બેંકોને ’એક જિલ્લો – એક ઉત્પાદન’ને પ્રોત્સાહન આપવા માટે રાજ્યો સાથે મળીને કામ કરવુ જરૂરી બન્યું છે. ખાસ કરીને બેંકોની થાપણ વધુ ને વધુ જરૂરીયાતમંદ સુધી પહોંછે તેમજ ધિરાણ વધુને વધુ થાય અને અર્થતંત્રમાં તરલતા આવે તે પર કામ કરવું જોઈએ.

આ માટે દેશભરમાં લોન મેળાનું આયોજન કરવામાં આવશે. ક્રેડિટ આઉટરિચ એટલે કે બેંકો દ્વારા અપાતી ક્રેડિટ વધારવા માટે દેશભરના 400 જેટલા જિલ્લાઓમાં લોન મેળા યોજાશે. ખાસ કરીને, ખેડૂતો અને જરૂરિયાત મંદ નિકસકારોને ક્રેડિટ સહાય આપવા માટે આ પ્રકારનું આયોજન થશે. એક જિલ્લો-એક ઉત્પાદન યોજનાને વધુ વેગવંતી બનાવાશે.

પત્રકાર પરિષદમાં મહેસૂલ સચિવ દેવાશિષ પાંડાએ જણાવ્યું કે, ઈઝ-4 હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોના પેન્શન માળખામાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

બેંક કર્મચારીઓને પેન્શન ચૂકવણી અગાઉની 9284 રૂપિયાની મર્યાદાથી વધીને 30,000 થી 35,000 રૂપિયા કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને માહિતી આપતા જણાવ્યું કે આ ઇઝ-ફોરથી બેંકોની શાખ વધશે. તો સાથે સાથે ગ્રાહકોને પણ મોટો ફાયદો થશે. લોન સહિતની સુવિધા સરળતાથી મળી રહેશે. કોરોનાકાળમાં પણ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ બેંકોને હજુ આગળ વધુ ધપાવવા માટે ઇઝ-4 કામ કરશે.

 

દેશભરના 400 જીલ્લામાં યોજાશે “લોન મેળા”

બેંકોમાં પડેલી થાપણોને જરૂરીયાતમંદ સુધી પહોંચાડી અર્થતંત્રમાં તરલતા લાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને મહત્વની જાહેરાત કરી છે. ગઇકાલે જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું

હતું કે દેશભરમાં લોન મેળાનું આયોજન કરવામાં આવશે. આશરે 400 જેટલા જિલ્લાઓમાં યોજાશે. અર્થતંત્રમાં ક્રેડિટની કમી છે તેવું કહી શકાય નહીં. પણ ખાસ કરીને ખેડૂતો અને નિકસકારોને સહાય મળી રહે તે માટે લોન મેળાનું આયોજન જરૂરી છે. જે આગામી ઓક્ટોબર માસથી શરૂ થશે.  ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2019માં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કૃષિ, વાહન, શિક્ષણ તેમજ પર્સનલ લોન આપવામાં આવી હતી. અંદાજે 4.94 લાખ કરોડની ક્રેડિટ વિવિધ ક્ષેત્રે આપવામાં આવી હતી.

 

બેન્કિગ કર્મચારીઓને ‘ભેટ’ પેન્શનમાં થશે વધારો

ગઈકાલે નાણાંમંત્રી નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના પેન્શનને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના કર્મચારીઓએ પણ ગભરાવાની જરૂર નથી. સરકાર તેમની ચિંતાઓથી વાકેફ છે. અને આથી

પેન્શન માળખામાં ફેરફાર કરાયા છે. બેંક કર્મચારીઓને પેન્શન ચુકવણી રૂ. 9284ની મર્યાદા હતી. જે મર્યાદા હવે વધારી રૂપિયા 30,000 થી 35,000 સુધી કરાઈ છે.

તેમજ એનપીએસ હેઠળ કર્મચારી પેન્શનમાં પીએસબીનું યોગદાન અગાઉના 10 ટકાથી વધીને 14 ટકા કરાયું છે. એટલે કે અત્યારસુધી કર્મચારીઓના પેન્શનમાં બેંકનો ફાળો 10 ટકા હતો જે વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.