Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:આયા રે આયા… નંદલાલાના વધામણાં કરવા દેશ આખો આતુર છે. જન્માષ્ટમીની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે દ્રારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષે આહિર સમાજથી દ્રારકાધીશનાં જગતમંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રાનાં માર્ગ પર મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

કેશોદ તાલુકાનાં આહિર સમાજના યુવાનો દ્વારા દર વર્ષે ટીમ બનાવી મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.  ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમ યોજાયો ન હતો ત્યારે આ વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવનારી છે. જેની તૈયારીના ભાગરૂપે કેશોદ આહિર યુવક મંડળનાં યુવાનો ઈસરા ગામે ધુળેશીયા બાપાનાં મંદિરે પટાંગણમાં રોજ રાત્રીના સમયે બાલાગામ,બામણાસા,સરોડ,ઈસરા,ખમીદાણા, નાની ઘંસારી અને અખોદર ગામનાં આહિર યુવાનો એકઠાં થઈ પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

સમગ્ર સૌરાષ્ટ્રનાં ભાવિકો ભક્તો ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. ત્યારે દ્રારકા ખાતે ઉમટી પડશે ત્યારે કેશોદનાં આહિર યુવાનો મટકી ફોડ કાર્યક્રમમાં જોડાઈ કેશોદ શહેર તાલુકાને ગૌરવ અપાવશે. કેશોદ આહિર યુવક મંડળનાં ભરતભાઈ બારીઆ, સંજયભાઈ કંદોરીયા, જયેશભાઈ સોલંકી, રાજુભાઈ બોદર, મહેશભાઈ કરંગીયા, રમેશભાઈ ભેડા જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.