Abtak Media Google News

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી: માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

ખંભાતના અખાતમાં આવતીકાલે આ સિસ્ટમ વધુ શક્તિશાળી બની સાયક્લોનમાં પરિવર્તીત થશે: આજે પણ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દરિયા કિનારે આવેલા પ્રવાસન સ્થળો, તમામ રસ્તાઓ અને બીચ પર પર્યટકોના અવર-જવર પર બે દિવસ પ્રતિબંધ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત પર સર્જાયેલુ વેલમાર્ક લો-પ્રેશર આજે ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ આવતીકાલે “શાહીન” નામના વાવાઝોડામાં ફેરવાશે જેની અસર તળે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

દરિયાકાંઠાના જિલ્લાઓને વધુ સાવચેત કરી દેવામાં આવ્યા છે. બે દિવસ બીચ પર પર્યટકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જો કે આ વાવાઝોડુ સર્જાયા બાદ કચ્છના દરિયાથી પાકિસ્તાન કે ઓમાન તરફ ફંટાઈ જશે. જેના કારણે ગુજરાતમાં નુકશાની જશે નહીં પરંતુ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં લો-પ્રેસર એરીયા દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત ઉપર સર્જાયેલ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની પરિસ્થિતિ આગામી 24 કલાક દરમિયાન સર્જાયેલ છે. દરિયાઈ વિસ્તારમાં 45 થી 55 કિ.મી. પ્રતિ કલાકથી વધતાં 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલ છે. જે આજે વધવાની સંભાવના છે.

આગાહી ધ્યાને લેતા દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવે છે. દરિયાઈ વિસ્તારના તમામ જિલ્લાઓમાં પ્રવાસન અને મનોરંજન પ્રવૃતિઓ તાકિદની રીતે પ્રતિબંધ મુકવા જણાવવામાં આવેલ છે. દરિયા કિનારે આવેલ પ્રવાસન સ્થળો પર તથા નજીકના તમામ રોડ રસ્તાઓ ઉપર બીચ જેવી પ્રવાસન જગ્યાઓ પર પ્રવાસીઓ/પર્યટકો આજે અને આવતીકાલે સંપૂર્ણ પ્રતિબંધીત રાખી તકેદારી રાખવા તમામ પગલાં લેવા આદેશ કરાયા છે.

જિલ્લામાં આવેલ તમામ બંદરો, માછીમારી સ્થળો તથા બીચ પર બોટીંગ, ફીશીંગ જેવી પ્રવૃત્તિ વોર્નિંગ મુજબ આગામી બે દિવસ સુધી મોકુફ રાખવા તથા માછીમારી માટે દરિયામાં કોઈ બોટ ન જાય તેની તકેદારી રાખવા સંબંધિત ફીશરીઝ વિભાગ, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીના સંબંધીત અધિકારીઓને આ ચેતવણી અંગે આપની કક્ષાએથી જરૂરી સુચના અપાય છે.

આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે  વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં ભોર વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.