Abtak Media Google News

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: વાવાઝોડું હાલમાં જખૌ પોર્ટથી 280 કિમી, દ્વારકાથી 290 કિમી, નલિયાથી 300 કિમી, પોરબંદરથી 350 કિમી દૂર 

બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. લેટેસ્ટ બુલેટિનમાં હવામાન વિભાગે વાવાઝોડાને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાને રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડું હાલમાં જખૌ પોર્ટથી 280 કિમી, દ્વારકાથી 290 કિમી, નલિયાથી 300 કિમી, પોરબંદરથી 350 કિમી દૂર છે.આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

હાલ જે અનુમાન છે એ મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને ગુરુવારની સાંજે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. પહેલાં એવું અનુમાન હતું કે, ગુરુવારની બપોર સુધીમાં વાવાઝોડું બિપોરજોય ત્રાટકશે. જ્યારે આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની ઝડપ 125-150 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. હવમાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાના જણાવ્યા મુજબ, આ શક્તિશાળી વાવાઝોડું મોટી તબાહી મચાવવા માટે સક્ષમ છે.

કચ્છના માંડવીમાં ભારે પવનના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. માંડવી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ યથાવત છે. માંડવી પોર્ટ પર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મુન્દ્રા અને કંડલા પોર્ટનો વિસ્તાર સુમસાન જોવા મળી રહ્યો છે. ભારે પવનના કારણે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કંડલા અને મુન્દ્રા પોર્ટના દરવાજા સાંજે છ વાગ્યાથી જ બંધ કરાયા હતા. કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસની કામગીરી સંપૂર્ણ બંધ કરવામાં આવી હતી. વાવાઝોડા બાદ પોર્ટ શરૂ કરવામાં વિલંબ થવાની શક્યતા છે.

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપોરજોય કાલ રાત્રે દેવભૂમિ દ્વારકાથી લગભગ 300 કિમી દૂર હતું. 15 જૂનની સાંજ સુધી તે ગુજરાતના જખૌ બંદર પાસે ટકરાઈ શકે છે.

વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. વાવાઝોડું પસાર થયા બાદ 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તે સિવાય હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય આજે રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર દૂર છે. દરિયામાં અત્યારે પવનની ગતિ 170 કિમીની છે. લેન્ડફોલના ચાર કલાક બાદ પવનની ગતિમાં ઘટાડો થશે. કચ્છના માંડવી પાસે વાવાઝોડું લેન્ડફોલ કરશે. વાવાઝોડું જ્યા લેન્ડફોલ કરશે ત્યાં વધારે નુકસાન થશે.

રાજ્યમાં 37 હજારથી વધુ લોકોનું કરાયુ સ્થળાંતર

સાયક્લોન બિપરજોય અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તોફાન આવતીકાલે સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌ બંદર પર ત્રાટકશે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના 37 હજાર 794 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.તમામ એયરબેઝ પર હેલિકોપ્ટર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

રાહત અને બચાવ કામગીરી માટે આર્મી હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં NDRFની 15 અને SDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. તે સિવાય માર્ગ મકાન વિભાગની 115 ટીમો સજ્જ કરાઇ છે. કચ્છમાં 40 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છમાં ચાર CDHO, 15 મડિકલ ઓફિસર ફરજ પર રહેવાના આદેશ અપાયા હતા. 108ની  157 મળી કુલ 239 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.