Abtak Media Google News

જિલ્લામાં 2 એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ તૈનાત : હાલ સુધી કોઈનું સ્થળાંતર કરવાની જરૂર પડી નથી : જિલ્લામાં ઓવરફ્લો થયેલા તમામ ડેમોના દરવાજા ખોલવા આદેશ

શાહીનની સંભવત અસરને પગલે જિલ્લા કલેકટર તંત્ર એલર્ટ થયું છે. ગઈકાલથી અધિકારીઓ દ્વારા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લામાં આશ્રય સ્થાનો અને ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 2 એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં એકંદરે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શાહીનની સંભવત અસરને પગલે જિલ્લા કલેકટર તંત્ર એલર્ટ મોડમાં છે. ગઈકાલે પ્રભારી મંત્રીએ પણ રાજકોટના હાલચાલ પૂછી તમામ ઝીણવટભરી વિગતો મેળવી હતી. વધુમાં ગઈકાલે પ્રાંત અધિકારીઓ સાથે પણ બેઠક યોજી તેઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આજે પણ આ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી.

હાલ સુધીમાં જિલ્લામાં કોઈનું સ્થળાંતર કરવાની જરૂર પડી નથી. પણ જો હજુ વરસાદ પડે અને સ્થળાંતર કરવાની જરૂર પડે તો આશ્રય સ્થાનો અને ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે રાજકોટ જિલ્લાના 25 ડેમોમાં 22 ડેમો ઓવરફ્લો થયા છે. ઓવરફલો ડેમોમાં તમામ દરવાજાઓ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં ઉપલેટા નજીક 3 ડેમો હોય જે તમામ ઓવરફ્લો હાલતમાં છે. એટલે ઉપલેટા ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્યુ કે જિલ્લામાં 2 એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. જેમાંથી એક રાજકોટ જિલ્લામાં જરૂર પડ્યે બચાવ કામગીરી કરશે. બીજી ટીમ રાજકોટના જે પાડોશી જિલ્લાને જરૂર હશે તેને ત્યાં મોકલી દેવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં એક એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે.

એરપોર્ટમાં ટેકઓફ- લેન્ડિંગમાં નડતરરૂપ 6 જેટલા વીજપોલ હટાવવાની સુચના

દીવાલ પાસે ગંદકી થતી હોવાથી પક્ષીઓ આવતા હોય, બર્ડ હિટના બનાવ અટકાવવા સફાઈ કરવા કોર્પોરેશનને આદેશ

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એરપોર્ટ ઓથીરિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય ચાર મુદા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બર્ડ હિટ, ફનલ, ફાયર બ્રિગેડ અને ટાઈમિંગનો સમાવેશ થાય છે.

આ અંગે વિગતો આપતા જિલ્લા ક્લેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે દીવાલ પાસે ખાદ્યસામગ્રી સહિતની વસ્તુઓ નાખવામાં આવતા ગંદકી થતી હોય જેને કારણે ત્યાં પક્ષીઓ આવે છે. પક્ષીઓના આવવાના લીધે બર્ડ હિટના બનાવો ન બને તે માટે કોર્પોરેશનને ગંદકીની સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે ફનલમાં ટેકઓફ અને લેન્ડિંગમાં 6 જેટલા વીજપોલ નડે છે. ત્યારે આ વીજપોલને અન્યત્ર ખસેડવાની પીજીવીસીએલને સૂચના અપાઈ છે. ઉપરાંત એરપોર્ટ આસપાસ હવે જો કોઈ વીજપોલ ઉભો કરવો હોય તો એનઓસી લેવાનો પણ આદેશ અપાયો છે. વધુમાં ફાયરબ્રિગેડને સરળતાથી એન્ટ્રી મળે તે માટે નવો રસ્તો કાઢવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને સેક્ધડ ડોઝ આપી દેવાનો લક્ષ્યાંક આવતા અઠવાડિયામાં 1.60 લોકોને બીજો ડોઝ લેવાનો સમય થશે

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે જિલ્લાના વેકસીનેશનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં તો ડોર ટુ ડોર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ લોકો વેકસીન લ્યે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને બીજો ડોઝ આપી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ઉપરાંત આવતા સપ્તાહે 1.60 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો સમય થવાનો છે. આ તમામ લોકોને સરળતાથી બીજો ડોઝ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

2 ઓક્ટોબરે રન ફોર ક્લિનનેશ યોજાશે

જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે 2જી ઓક્ટોબરે ગાંધીજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં રન ફોર ક્લીનનેશ યોજવામાં આવશે. જેમાં 5 કિમીની દોડ યોજીને સ્વચ્છતાનો સડેસગ પ્રસરાવવામાં આવશે. આ અંગેનું સમગ્ર આયોજન આત્મીય કોલેજ સાથે ટાઇઅપ કરીને કરવામાં આવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.