Abtak Media Google News

મેરે આંગનેમે તુમ્હારા કયા કામ હૈ…

સેબીએ વધુ રકમ જમા કરાવવાનું કહેતા સહારાએ આકરા પાણીએ થઈને સવાલ ઉઠાવ્યો, અગાઉ આપેલા નાણાં પણ 9 વર્ષથી વણવપરાયેલા પડ્યા એનું શું ?

અબતક, નવી દિલ્હી : મેરે આંગનેમેં તુમ્હારા ક્યાં કામ હૈ…આવું જ જાણે સેબીએ જાહેર કરી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે. સેબીએ અગાઉ સહારા પાસેથી જે 24 હજાર કરોડનું ફંડ લીધું તે પોતાની પાસે દબાવી રાખી ઠેંગો બતાવી દીધો છે. અને હજુ પણ સહારા પાસેથી વધુ ફંડ માંગતા સહારા આકરા પાણીએ આવી ગયું છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી અને સહારા ગ્રૂપ વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. વાસ્તવમાં, સહારા ગ્રૂપે કહ્યું છે કે સેબીની વધુ રકમ જમા કરાવવાની વિનંતી વાજબી નથી કારણ કે નિયમનકાર પાસે જમા કરાયેલા રૂ. 24,000 કરોડ નવ વર્ષથી નિષ્ક્રિય પડ્યા છે.

સહારા જૂથનું આ નિવેદન સેબીના વડા અજય ત્યાગીના એક દિવસ પહેલા આપેલા નિવેદન બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સહારાએ સુપ્રીમ કોર્ટના 2012ના નિર્ણય મુજબ હજુ સુધી સંપૂર્ણ રકમ જમા કરાવી નથી. ત્યાગીના જણાવ્યા અનુસાર, સહારાએ અત્યાર સુધીમાં માત્ર 15,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે તેણે કુલ 25,781 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.

વર્ષ 2020-21 માટે સેબીનો રિપોર્ટ કહે છે કે નિયમનકારે આ રકમમાં સહારાના બોન્ડધારકોને માત્ર રૂ. 129 કરોડ પરત કર્યા હતા અને રૂ. 23,000 કરોડથી વધુ રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા છે.  સહારા જૂથે એક નિવેદનમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ, 2012ના તેના આદેશમાં મુદ્દલ અને વ્યાજ જમા કરવાનું કહ્યું હતું.  તેની પાછળનો આધાર એવો હતો કે દરેક થાપણદારોને પૈસા પરત કરવામાં આવે, પરંતુ આદેશ પસાર કર્યાના ત્રણ મહિનામાં, સુપ્રીમ કોર્ટને સમજાયું કે આ કરવામાં આવી રહ્યું નથી.

સહારાએ કહ્યું, “સુપ્રીમ કોર્ટે એ હકીકતની નોંધ લીધી છે કે પૈસા પરત કરવા માંગતા થાપણદારોની સંખ્યા ઘણી ઓછી છે.  તેથી સેબીને સહારા પાસેથી વધુ રકમ જમા કરાવવાનું કહેવું એ ખોટી રજૂઆત છે.”

સહારાએ કહ્યું કે સેબીએ છેલ્લા નવ વર્ષમાં દેશભરના 154 અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરી છે, પરંતુ હજુ સુધી રોકાણકારોને માત્ર 129 કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા છે.  સહારા અનુસાર, માર્ચ 2018માં પ્રકાશિત થયેલી સેબીની છેલ્લી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે જુલાઈ 2018 પછી કોઈ દાવો સ્વીકારવામાં આવશે નહીં.  સહારા ગ્રૂપે દાવો કર્યો છે કે 95 ટકાથી વધુ થાપણદારોને પૈસા પહેલાથી જ પરત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.