Abtak Media Google News
ગિરનાર રોપ વેમાં છેલ્લા એક મહિનામાં 18608 પ્રવાસીઓ વધ્યા, આવકમાં એક કરોડનો વધારો: 130 કરોડના ખર્ચે બનેલા રોપ-વેએ દોઢ વર્ષમાં 56 કરોડ રળી આપ્યા

હિમાલયના પિતા સમા એશિયાના સૌથી ઊંચા પર્વત એવા ગરવા ગઢ ગિરનાર ઉપર રૂપિયા 130 કરોડમાં બનેલા ગિરનાર રોપ-વેનું પ્રવાસીઓને ભારે ઘેલું લાગ્યું છે અને રોપવે બનાવનાર કંપનીને 19 મહિનામાં 56 કરોડની કમાણી કરી છે એ જોતા માત્ર 19 મહિનામાં રોપ વે બનાવવા પાછળનો 50 ટકા ખર્ચ વસુલ થઇ જવા પામ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓક્ટોબર 2020 માં લોકો માટે ખુલ્લા મુકાયેલા ગિરનાર રોપવે નો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે. અને ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક તથા આકર્ષક રૂપ સાબિત થઇ રહ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે.

તેના લીધે રોપવેનું સંચાલન કરનાર ઉષા બ્રેકો કંપનીને કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. એ સાથે આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ, ફેબ્રુઆરી 2022 માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી. જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. તે જોતાં આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 માં (3.01 કરોડ)ની સરખામણીએ માર્ચમાં (4.03 કરોડ) એક કરોડનો વધારો જોવા મળ્યો છે.

એશિયાના સૌથી લાંબા 2310 મીટર અને 898.4 મીટર ઉંચા રોપવેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામા આવી રહી છે. તથા પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા ટૂંક સમયમાં રોપવેની કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર આલોકકુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું કે, ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે.

તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપવે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબેના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપવેની સુવિધાથી  પર્વતના 10,000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં એક કરોડ જેટલો વધારો થયો છે જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.