રાજકોટિયન્સ પોતાના પ્રિયજનો માટે હંમેશા કઈક નવું કરવા માટે તત્પર રહે છે. તેવો જ એક કિસ્સામાં રાજકોટના મુકેશભાઈ આસોડિયાએ પોતાના ઘરે એક ટીપાઇમાં રાજકોટ રેલવે જંક્શનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. બે બાય દોઢ ફૂટની ટીપાઇમાં ઝીણવકપૂર્વક એક એક વસ્તુને ગોઠવી છે.
આ માટે મુકેશભાઈને રૂ.25 હજારનો ખર્ચ થયો છે. તેમજ આ મિની રાજકોટ રેલવે જંક્શનને બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો. મહેશભાઈએ આ મિની રેલવે જંક્શન પર ટ્રેન દોડાવવા 12 વોલ્ટની ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે.ટેબલ પર આ દોડતી ટ્રેનો આકર્ષણનું કેન્દ્ર બની છે.
દિવાળી પર પત્નીએ ઘરમાં ટીપાઇ નથી તો નવી ટીપાઇ લઇ આવો કહ્યું હતું. પણ મુકેશભાઇએ તો ટીપાઇમાં જ રાજકોટનું રેલવે જંક્શન બનાવી નાખ્યું. આ મિની રેલવે જંક્શનની અંદર સિગ્નલ દેવામાં આવ્યા છે. તેમજ સિગ્નલ આપવાની કેબિન, નાસ્તાની કેબિન, ચાની કેબિન, ટોયલેટ, ડિજિટલ પ્લેટફોર્મ અને બાકડા પણ રાખવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનની અંદર જેટલી વસ્તુઓ જોવા મળે છે એ તમામ વસ્તુઓ ટીપાઇની અંદર રાખવામાં આવી છે. સામાન્ય રીતે ટીપાઇની અંદર હીરા, પથ્થર, મોતી જેવી વસ્તુઓ ફીટ કરેલી જોવા મળે છે.