Abtak Media Google News

90 વર્ષથી વધુની ઉંમરના મતદારોની હયાતીની ખરાઈ કરી તેનો નવો રેકોર્ડ પણ તૈયાર કરાશે

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરુપે ચૂંટણી પંચના રાજ્ય એકમે નવી સુધારેલી મતદાર યાદી માટે કાર્યક્રમ જાહેર કર્યો છે. આ મુજબ 1 ઓક્ટોબર, 2022 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાઓ મતદાર યાદીમાં નામ નોંધાવીને મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. નવી સુધારેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 10 ઓક્ટોબર-2022ના રોજ કરાશે. જેના ભાગરૂપે બીએલઓને ઘરે ઘરે જઈને સર્વે 22મી સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ પણ અપાયો છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી કહેવાયું છે કે, 31 જુલાઈ, 2022 સુધીમાં તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી, તેની પુન: ગોઠવણી, મતદારોની વિગતોનું પુનરાવર્તન દૂર કરવું, ફોટાનું પુનરાવર્તન દૂર કરવું, ફોટા ઓળખકાર્ડ સંબંધિત પ્રશ્નોના નિકાલ પ્રક્રિયા હાથ ધરાશે. 1 ઓગસ્ટ-2022થી 10 ઓગસ્ટ-2022 સુધીમાં ફોર્મેટ-1થી 8ને તૈયાર કરાશે. 1 ઓક્ટોબર-2022ની લાયકાતને અનુરુપ મતદાર પુરવણી અને સંકલિત મુસદ્દો તૈયાર કરાશે. 12 ઓગસ્ટ-2022ના રોજ આ સંકલિત મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરાશે.

31 જુલાઈ-2022 સુધીમાં મતદાર નોંધણી અધિકારી, મદદનીશ નોંધણી અધિકારીઓને તાલીમ, ઓરિએન્ટેશન, બુથ લેવલ અધિકારીઓની નિમણૂક કરાશે. હાલની મતદાર યાદીમાં સામેલ હોય તેવા મતદારો કે નવા સામેલ થનારા મતદારો, તેમના આધાર કાર્ડ નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરી શકશે. આ ઉપરાંત જેમને મતદાર યાદીમાં સુધારા -વધારા કરવા હોય તે માટે ફોર્મ નંબર-6,7,8માં સુધારા કરીને નવા ફોર્મ બહાર પાડવામાં આવશે. જૂના મતદારો, ફોર્મ-6મી ભરીને આધાર નંબરનો ઉમેરો કરી શકશે.

વધુમાં આવતીકાલથી 22મી સુધીમાં બીએલઓને ઘરે ઘરે જઈને સર્વે પૂરો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે 90 વર્ષથી વધુની ઉંમરના મતદારોની હયાતીની ખરાઈ કરી તેનો નવો રેકોર્ડ પણ તૈયાર કરવાનો પણ આદેશ અપાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.