Abtak Media Google News
  • ગઈકાલે પોરબંદરથી 180 નોટિકલ માઈલ દૂર રૂ.602 કરોડના હેરોઇન સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
  • ગત રોજ ઝડપાયેલો જથ્થો કરાચી બંદરેથી 78 પેકેટ સ્વરૂપે 86 કિલો હેરોઇન લોડ કરાયો’તો: પાકિસ્તાની ડ્રગ માફિયા હાજી અસ્લમએ નશાનો પદાર્થ મોકલ્યાનો ખુલાસો

પોરબંદરના દરિયામાંથી વધુ એકવાર ડ્રગ્સનું મોટું ક્ધસાઈમેન્ટ ઝડપાયું છે. આ ક્ધસાઈમેન્ટમાંથી હશીશ નામના 173 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ જથ્થાની બજાર કિંમત અબજો રૂપિયા ગણવામાં આવી રહી છે. સાથોસાથ બે ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સતત ત્રીજા દિવસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ બે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાયા બાદ ગઈકાલે પોરબંદરથી 180 નોટિકલ માઈલ દરિયામાંથી રૂ. 602 કરોડની કિંમતનો 86 કિલ્લો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. જે બાદ ફરી એકવાર સતત ત્રીજા દિવસે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.

Advertisement

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાહેર કરાયેલી ટૂંકી વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, બે દિવસ અરબી સમુદ્રમાં ચાલેલા ઓપરેશનમાં 2 શખ્સોની ધરપકડ કરીને 173 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો ભારતીય ફિશિંગ બોટમાંથી પકડવામાં આવ્યો છે.

કોસ્ટગાર્ડે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત એટીએસ દ્વારા મળેલી બાતમીના આધારે દરિયામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક સંદીગ્ધ બોટ મળી આવતા તેને અટકાવી લને જડતી શરૂ કરવામાં આવી હતી. જે બોટમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા કેપ્ટન સહીત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

હજુ ગઈકાલે જ એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને એનસીબીએ મધદરિયે એક ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરથી 180 નોટિકલ માઈલ દૂર મધદરિયેથી રૂ. 602 કરોડની કિંમતનો હેરોઇનનો 86 કિલોગ્રામનો જથ્થો કબ્જે કરી 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ નશાનો પદાર્થ કરાચી બંદરેથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમએ મોકલ્યાનો ખુલાસો થયો છે.

અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા એન.સી.બી. તથા એ.ટી.એસ.સાથે સંયુકત ઓપરેશન હાથ ધરીને 14 પાકિસ્તાનીઓને ફીશીંગ બોટમાં રૂ. 602 કરોડ રૂપીયાના 86 કિલો ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવ્યા છે. છેલ્લાં બે મહિનામાં આ ત્રીજી વખત મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયુ છે અને મહત્વની બાબત એ છે કે, ફેબ્રુઆરીના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આગમન વખતે જ ડ્રગ્સ પકડાયા બાદ હવે ફરી વડાપ્રધાન ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે જ આ ડ્રગ્સનો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઇ છે.

મળતી વિગત પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુપ્ત માહિતી આધારિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન દરિયામાં હાથ ધર્યું હતું. પાકિસ્તાની ફીશીંગ બોટમાંથી 14 પાકિસ્તાની નાગરિકો સાથે રૂ. 602 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇ.સી.જી.) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એ.ટી.એસ.) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એન.સી.બી.)એ સંયુકત ઓપરેશન હાથ ધરીને આ બોટને પકડી પાડવામાં આવી હતી.

ઓપરેશનને પાર પાડવા માટે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડનુ જહાજ રાજરતન, જેમાં એન.સી.બી. અને એ.ટી.એસ. અધિકારીઓ હતા. તેણે બાતમીના આધારે જાણવા મળેલી શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સથી ભરેલી બોટ જહાજ રાજરતનની મદદથી ઝડપી લેવાઇ હતી. આઇ.સી.જી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી. અને આ બોટમાંથી રૂ. 602 કરોડ રૂપિયાનું 86 કિલો જેટલુ ડ્રગ્સ મળી આવતા તમામ 14 પાકિસ્તાનીઓની આકરી પુછપરછ હાથ ધરી હતી અને તમામને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે.

ચોકકસ માહીતીના આધારે મધદરિયે આ ઓપેરેશન સંયુકત પ્રયાસોથી પાર પાડવામાં આવ્યુ છે અને પકડાયેલા તમામને પોરબંદર લવાયા બાદ જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરી રહી છે. એટલું જ નહી પરંતુ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ખાતે તેઓની ક્રોસ પુછપરછ થઇ રહી છે. જેમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફીયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બ્લોચએ આ જથ્થો કરાચી બંદરેથી મોકલ્યાનું ખુલ્યું છે.

એટીસ અને એનસીબીની તપાસના એવુ સામે આવ્યું છે કે, પાકિસ્તાની બોટ અલ રઝા મારફત ડ્રગ્સનો જથ્થો તમિલનાડુ સુધી પહોંચાડવાનો હતો. જ્યાંથી આ જથ્થો ભારતીય બોટમાં ટ્રાન્સફર કરવાનો હતો અને તે બોટ શ્રીલંકા સુધી જથ્થો પહોંચાડવાની હતી. આ ટ્રાન્સફર માટે બંને બોટને પાસવર્ડ આપવામાં આવ્યા હતા. જે પાસવર્ડ આપ્યા બાદ જ માલ ટ્રાન્સફર કરવાનો હતો.

ગઈકાલે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા 14 પાકિસ્તાની શખ્સો

નાસીર હુશેન, મહંમદ સિદ્દીક, અમીર હુસેન, સલલ ગુલામ નબી, અમન ગુલામ નબી, બઘલખાન, અબ્દુલ રાશીદ, લાલ બખ્સ, ચાકરખાન, કાદિર બખ્સ, અબ્દુલ શમાદ, એમ હકીમ, નૂર મહમદ, મહંમદ હુશેન ખાન નામના 14 પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે. આ તમામ શખ્સો પાકિસ્તાનના બ્લોચીસ્તાનના રહેવાસી છે.

ફકત ત્રણ દિવસમાં રૂ.1800 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ સતત એક્શન મોડમાં હોય તેવી રીતે ફકત ત્રણ દિવસમાં 1800 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અગાઉ શનિવારે રાજસ્થાન અને ગુજરાતમાંથી ચાર ડ્રગ્સ ફેક્ટરી ઝડપીને રૂ. 230 કરોડની કિંમતનો હેરોઇન ઝડપી લેવામાં આવ્યા બાદ રવિવારે પોરબંદરના દરિયાથી 180 નોટિકલ માઈલ દૂર મધદરિયેથી રૂ. 600 કરોડની કિંમતનો 86 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. જે બાદ આજે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઑપરેશન હાથ ધરીને 173 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સની બજાર કિંમત રૂ. 6 કરોડ પ્રતિ કિલો ગણવામાં આવે તો આજે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત રૂ. 1 હજાર કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.