Abtak Media Google News

TBZ શો રૂમના મેનેજરની ભૂમિકા શંકાસ્પદ: લૂંટની ઘટનાનું ક્રોસ વેરિફીકેશન જરૂરી

સૌરાષ્ટ્રભરમાં દારૂની સપ્લાયર બુટલેગર પતિને ખૂનના ગુનામાં છોડાવા ધર્મના ભાઇ પાસે જમા કરાવેલી બેનંબરની ઉઘરાણીનો મામલો હોવાના આક્ષેપ

શહેરના જામનગર રોડ પરના બજરંગવાડી નજીક આવેલા મોમીનગરમાં બે દિવસ પહેલાં સમી સાંજે ટીબીઝેડ સોનાના શો રૂમના મેનેજર પાસેથી રૂા1.48 કરોડના ઘરેણાની થયેલી લૂંટનો ભેદ ઉકેલી નામચીન મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ સમગ્ર લૂંટની ઘટના પાછળ બેનંબરી રકમનો હિસાબ કિતાબ કારણભૂત હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂની સપ્લાયર તરીકે કુખ્યાત યાકુબ મુસા મોટાણી હત્યાના ગુનામાં જેલ હવાલે થયો છે. દારૂના ધંધાના અંદાજે રૂા.80 લાખ ટીબીઝેડના મેનેજર પાસે જમા હોવાથી તેની ઉઘરાણી પેટે ઘરેણા વિવાદાસ્પદ મહિલાએ પડાવી લીધા હોવાની ચર્ચા અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરી દુધનું દુધ અને પાણીનું પાણી કરવું જરૂરી છે. ટીબીઝેડના મેનેજરની ભેદી ભૂમિકા અંગે પોલીસ દ્વારા સ્પષ્ટતા થવી જરૂરી બન્યું છે.

રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના શો-રૂમમાં શનિવારે સાંજે રૂ.1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી હતી. જેમાં બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કીસ બાનુ નામની મહિલાએ શનિવારે શો-રૂમમાંથી દાગીના જોવા માટે ઘરે મગાવ્યા હતા. જેથી શો-રૂમનો વિશાલ નામનો કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોચતાની સાથે જ બિલ્કીસ બાનુએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લઇ બાદમાં કાળા કલરની ક્રેટા કારમાં ભાગી ગઈ હતી. બનાવની જાણ પોલીસને થતા ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપી બિલ્કીસ બાનુની ધરપકડ કરી બિલ્કીસના પિતા અને સગીર પુત્રની શોધખોળ હાથ ધરી છે.

બનવા અંગે એસીપી. પી.કે.દિયોરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહિલા આરોપી બિલ્કીસ બાનું ટી.બી.ઝેડ શો-રૂમમાંથી અનેક વાર ઘરેણાંની ખરીદી કરી હતી.બાદમાં ગઇકાલે સાંજે સોનુ લેવા માટે શો-રૂમમાં સંપર્ક કરી વીડિયો કોલ કરી ઘરેણાં પસંદ કર્યા હતા. જે ઘરેણાં સાથે કર્મચારીને ઘરે બોલાવ્યો હતો. કર્મચારી પહોંચતાની સાથે જ તેમની પાસેથી ઘરેણાનું બોક્સ મેળવી કેટલાક ઘરેણા અલગ અલગ કરી બાદમાં એક બોક્સમાં લેવા હોય તેવા ઘરેણાં અલગ કરી પાછળના રૂમમાં જઇ તેના સગીર પુત્રને આપી દીધા હતા. જે ઘરેણા સંતાડી દઈ શો-રૂમના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં તુરંત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં પ્રથમ મુદામાલ રિકવર કરી બાદમાં આજે આરોપી બિલ્કીસ બાનુને ઝડપી પાડી હતી. અને તેની પાસેથી પોલીસે લૂંટમાં ગયેલ પેન્ડલ બુટી સહિતના સોનાના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાની 4 વીટી સહિત કુલ વજન 1807.980 ગ્રામ જેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વીટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટનું વજન 357.720 ગ્રામ અને તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત 1,48,43,282 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.જ્યારે તેના સગીર વયના પુત્ર અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે.

લૂંટ કરનાર બિલ્કીસ બાનુંનો ગુનાહિત ઇતિહાસ

આરોપી બિલ્કીસ અગાઉ પોપટપરા વિસ્તારમાં ત્યક્તાને માથામાં પ્રેશર કુકર મારીને હત્યા કરી જેના ગુના સહિત સહિત ચાર ગુનામાં સંડોવણી સામે આવી છે. જ્યારે તેનો સગીર વયનો પુત્ર કે જેના ઉપર પણ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે તેનો પતિ હત્યાના અને દારૂના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો છે. જેથી તેના પતિને છોડાવવા માટે ધર્મનો બનાવેલ ભાઈ વિશાલ પાસેથી તેને લૂંટ કર્યાનું હાલ તપાસમાં જાણવા મળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.