Abtak Media Google News

ત્રણથી ચાર શખ્સોએ પાઇપ વડે માર મારતા યુવાનને સારવાર માટે ખસેડાયો

શહેરના ટાગોર રોડ પર જાહેરમાં પૂર્વ પત્નીના પ્રેમીએ યુવાનને પાઇપ વડે માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હરિધવા રોડ પર ભવનાથ મેઈન રોડ પર રહેતા રોહિત સુરેશભાઈ આસોદરિયા નામના 31 વર્ષના યુવાન પર હિરેન અને યશ સહિતના ચાર શખ્સોએ પાઇપ વડે માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલના બિછાને રહેલા રોહિત આસોદરિયાએ પોલીસમાં જણાવ્યું હતું કે તેની પૂર્વ પત્ની બીનુબેન સાથે 11 માસ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. હાલ બિનુબેન હિરેન નામના શખ્સ સાથે મૈત્રી કરારથી રહે છે. ગઇ કાલે રોહિત પોતાના સંતાનને મળવા બાબતે બીનુબેન સાથે મહિલા પોલીસ સ્ટેશન પર ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ હિરેનના સાગરીત યશ નામના શખ્સે રોહિતનો પીછો કરી ટાગોર રોડ પાસે ઊભો રખાવ્યો હતો. ત્યાર બાદ ત્યાં હિરેન આવી ચડતા ત્રણ થી ચાર શખ્સોએ પાઇપ વડે યુવાનને માર માર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.