Abtak Media Google News

નીતા મહેતા

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ (વદ) ની ચતુર્થ તિથિને બોળ ચોથ કહેવાય છે. આ દિવસે સ્ત્રીઓ વ્રત રહે છે. કંકુ ચોખા થી ગાયનું પૂજન કરે છે અને બાજરાની ઘૂઘરી કરીને ખવડાવે છે. બોળ ચોથ ના દિવસે ગાય વાછરડાનું સાથે પૂજન કરવાનો મહિમા છે.

બોળ ચોથના દિવસે સ્ત્રીઓને દળવા, ખાંડવા કે સુધારવા પર નિષેધ હોય છે અને ઘઉંની વસ્તુ ખાવાની પણ મનાઈ હોય છે. આ માન્યતા પાછળ એક પૌરાણિક કથા છે….

એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. એક દિવસ સાસુજીએ વહુ ને ઘઉંલો ખાંડીને રાંધવાનો આદેશ આપ્યો અને મંદિરે જતા રહ્યા. તેના ઘરમાં એક ગાય અને વાછરડો હતા. ગાયના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું. વહુ એ તો વિચાર્યા વિના સાસુનો આદેશ માની ને વાછરડાને વધેરી નાખ્યો અને તેની રસોઈ બનાવી લીધી. સાસુએ ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું અને વહુએ વાછરડાને રાંધી નાખ્યો.

સાસુ એ મંદિરેથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચૂલ્લે ચડાવ્યો ને? ત્યારે વહુ એ કીધું ચડાવીએ તો ખરા પણ શું ઠેકડા માર્યા છે !!

પકડ્યો પકડાય નહી,

કાપ્યો કપાઈ નહી,

રાંધિયો રંધાય નહીં,

માંડ માંડ ખાંડીયો છે. સાસુના પેટમાં ફાળ પડી તેણે કહ્યું તું કોની વાત કરે છે? વહુ બોલી આપણા ઘઉંલા વાછરડાની! સાસુ તો અવાક થઈ ગયા અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા અરેરે વહુ તમે આ શું કર્યું? આજે બોળ ચોથ છે, બધા હમણાં ગાય વાછરડાની પૂજા કરવા આવશે, હવે એમને આપણે શું કહીશું?

સાસુએ રાંધેલા ઘઉંલાને હાડલામાં નાખ્યો અને છાનામાના ગામની બહારના ઉકરડામાં જઈને દાટી આવ્યા. પાછા ઘરે આવીને ડેલી બંધ કરીને ચુપચાપ સાસુ વહુ બન્ને ઘરમાં બેસી રહ્યા. ગાય સીમમાં ચારો ચરવા ગઈ હતી ત્યાં તેનું માતૃહૃદય જાણી ગયું અને ભાંભરતી ભાંભરતી, દોડતી દોડતી ગામની બહારના ઉકરડા પાસે આવી અને ઉકરડામાં શિંગડા ભરાવ્યા, શીંગડા મારતા જ હાંડલું ફૂટીયું અને ઠેકડો મારીને વાછરડો ઊભો થયો. ગાય વાછરડાને ચાટવા લાગી. આખા ગામમાં ઘઉંવર્ણા ગાય અને વાછરડો બીજે ક્યાંય ન હતા એટલે પૂજન કરવા ગામની સ્ત્રીઓ અહીંયા જ આવતી.

સાંજ પડીએ બધી સ્ત્રીઓ ભેગી થઈ, ગાય વાછરડો બહાર અને સાસુ વહુ ઘરમાં અને ઘર બંધ. વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો. બધી સ્ત્રીઓ કહેવા લાગી આજે પૂજન કરવાનું હોય તો ગળામાં ફૂલનો હાર હોય કે કાઠલો? આ શું? સાસુ વહુ ઘરમાં બધું સાંભળે છે, એમને થયું કે ગામની સ્ત્રીઓ એમને મહેણાં મારે છે. વહુએ બહાર ડોકિયું કર્યું તો જોયું કે ગાય વાછરડાને ચાટતી હતી. વહુએ સાસુ ને કહ્યું કે બા વાછરડો જીવતો છે, સાસુએ ઘઉલાને જીવતો જોઈને ફટાફટ બારણાં ખોલ્યા અને બહાર આવીને બધાને ઘઉંલા ની ઘટના કહી સંભળાવી.

સાસુએ બધી સ્ત્રીઓને કહ્યું તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉંલો સજીવન થયો છે. બધાએ ગાય અને વાછરડાની પૂજા કરી અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા તમારું સત્ અને અમારું વ્રત…

આ દિવસથી બોળચોથના દિવસે કોઈ સ્ત્રીએ દળવું, ખાંડવું કે સુધારવું નહીં એવો નિયમ લીધો. તેથી જ આ દિવસે સ્ત્રીઓ મગ અને બાજરીના રોટલા ખાઈને એકટાણું કરે છે. ગાય માતા માં 33 કરોડ દેવી દેવતા વસે છે. આજના દિવસે બહોળી સંખ્યામાં સ્ત્રીઓ રીત –  રિવાજ, માન્યતા કે શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.