Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘવિરામ: આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડે તેવી કોઇ જ સિસ્ટમ સક્રિય નથી: 19 ડેમમાં પાણીની આવક

ચાલું વર્ષે 70 દિવસમાં જ વરસાદ 100 ટકાને આંબી ગયો છે. ત્યારે આઇએમડીબીના જણાવ્યા મૂજબ સપ્ટેમ્બરમાં બે અઠવાડીયા પહેલા જ ચોમાસું વિદાય ભણી જશે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ પોરો ખાધો છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 24 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દરમિયાન આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ સક્રિય નથી. એંકદરે મેઘ વિરામ જેવો માહોલ રહેશે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 100.85 ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 19 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે.

ગુજરાતમાં ગુરૂવારથી મેઘાનું જોર ઘટી ગયું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 24 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સાંબરકાંઠાના પ્રાંતિજમાં 37 મીમી પાણી પડ્યું હતું. વીજાપુરમાં 22 મીમી અને ભીલોડામાં 20 મીમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘવિરામ રહ્યો હતો. અનરાધાર હેત વરસાવ્યા બાદ વરૂણ દેવે પોરો ખાતા જગતાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષ માંગ્યા મેઘ વરસતા ઘાનના ઢગલા ખડકાશે.

હાલ રાજ્યમાં સાર્વત્રિક કે ભારે વરસાદ પડે તેવી કોઇ જ સિસ્ટમ નથી. લોકલ ફોર્મશનના કારણે છુટા છવાયા વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે તેવી સંભાવના રહેલી છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનના 70 દિવસમાં જ 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. આજ સુધીમાં રાજ્યમાં 100.85 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે. અનરાધાર વરસાદ બાદ હવે વરાપ નિકળતા લોકોને રાહત થવા પામી છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 19 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં આજી-1 ડેમમાં 0.16 ફૂટ, સુરવોમાં 0.16 ફૂટ, ગોંડલીમાં 0.33 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.16 ફૂટ, કરમાળમાં 0.33 ફૂટ, ઘેલો સોમનાથમાં 1.02 ફૂટ, મચ્છુ-1માં 0.20 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.13 ફૂટ, બ્રાહ્મણી ડેમમાં 0.10 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 0.33 ફૂટ, સસોઇ ડેમમાં 0.07 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.23, વેરાડી-2માં 0.3 ફૂટ, મીણસાર (વાનાવડ)માં 0.33 ફૂટ, વઢવાણ ભોગાવો-1માં 0.20 ફૂટ, ફલકુ ડેમમાં 0.66 ફૂટ, લીંબડી ભોગાવો-2માં 0.33 ફૂટ પાણીની આવક થયા છે. આજે સવારથી રાજ્યભરમાં મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.