Abtak Media Google News

વર્ષ 2021-22માં સોફ્ટવેર નિકાસનો હિસ્સો વધીને 88.8 ટકા થયો ચાલુ વર્ષે નિકાસ 17.2 ટકા વધીને 12.48 લાખ કરોડ થવાનો અંદાજ

ભારતીય અર્થતંત્ર વિકાસની દિશામાં પુરપાટ દોડી રહ્યું છે. બીજી તરફ ભારત આઇટી ક્ષેત્રે પણ સતત આગેકૂચ કરી રહ્યું છે. દેશનું આઇટી ફિલ્ડ જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્ડ અર્થતંત્રમાં નવા પ્રાણ પુરશે. દેશની સોફ્ટવેર નિકાસનો હિસ્સો વર્ષ 2021-22માં વધીને 88.8 ટકા જેટલો થઈ ગયો છે. બીજી તરફ ચાલુ વર્ષે તેની નિકાસ 17.2 ટકા વધીને 12.48 લાખ કરોડ થઈ જવાનો અંદાજ છે.

ભારતીય આઇટી સેવા કંપનીઓ દ્વારા ઑફસાઇટ મોડની સોફ્ટવેર સેવાઓની નિકાસનો હિસ્સો વર્ષ 2021-22માં વધીને 88.8% થયો છે. જે પાંચ વર્ષ પહેલાં 82.8% હતો, તેમ ભારતીય રિઝર્વ બેંકે જાહેર કર્યું છે. બીજી તરફ આ  નાણાકીય વર્ષ દરમિયાન ભારતની સોફ્ટવેર સેવાઓની નિકાસ 17.2% વધીને 156.7 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. 2021-22 દરમિયાન ભારતીય કંપનીઓના વિદેશી આનુષંગિકો દ્વારા આપવામાં આવતી સેવાઓ સહિત સોફ્ટવેર સેવાઓની કુલ નિકાસમાં 15.9%નો વધારો થયો છે અને તે  171.9 બિલિયન ડોલર રહી છે

વિદેશી આનુષંગિકો દ્વારા સ્થાનિક સોફ્ટવેર બિઝનેસ 15.2 બિલિયન ડોલરનો હતો, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ મુખ્ય સ્થળ છે.  વિદેશી આનુષંગિકોમાંથી સોફ્ટવેર બિઝનેસમાં યુએસનો હિસ્સો કુલ બિઝનેસના 42.5% જેટલો હતો અને ત્યારબાદ યુકેનો હિસ્સો 23.5% હતો. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા 55.5% હિસ્સા સાથે સોફ્ટવેર નિકાસ માટે ટોચનું સ્થળ હતું, ત્યારબાદ યુરોપ આવે છે, જેમાંથી લગભગ અડધો ભાગમાં યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે.

માલ સામાનની નિકાસમાં 11.4 ટકાનો વધારો આવવાની ધારણા

ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશની માલસામાનની નિકાસ 11.4 ટકા વધીને 9.12 લાખ કરોડ થવાની ધારણા છે.  એક્ઝિમ બેંકે આ અનુમાન લગાવ્યું છે.એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (એક્ઝીમ બેંક) એ ત્રિમાસિક ડેટા જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે બીજા ક્વાર્ટરના નિકાસ ડેટા વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં નરમાઈ, મુખ્ય વેપાર ભાગીદાર દેશોમાં સંભવિત મંદી, ફુગાવાના દબાણ અને કડક નાણાકીય વલણને કારણે પ્રભાવિત થઈ શકે છે. એક્ઝિમ બેંક જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચના પ્રથમ સપ્તાહમાં તેના ત્રિમાસિક અંદાજો જાહેર કરે છે. એક્ઝિમ બેંક નિકાસ અગ્રણી સૂચકાંક  પરથી દેશમાંથી નિકાસના ત્રિમાસિક ડેટાનો અંદાજ કાઢે છે,  જે તેનું પોતાનું મોડલ છે. તે દેશના નિકાસ દૃશ્યનું મૂલ્યાંકન કરે છે.  એક્ઝિમ બેંકે જણાવ્યું હતું કે નિષ્ણાતોની સ્થાયી ટેકનિકલ સમિતિ દ્વારા આ મૂલ્યાંકનના પરિણામોની સમીક્ષા કરવામાં આવી છે.

ભારત અને યુએસ વચ્ચે ટૂંક સમયમાં યોજાશે ટ્રેડ પોલિસી ફોરમની બેઠક

ભારત અને યુએસ વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ પોલિસી ફોરમની બેઠક યોજાનાર છે. બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને અમેરિકાએ ગયા વર્ષે 23 નવેમ્બરે નવી દિલ્હીમાં 12મી ટ્રેડ પોલિસી ફોરમ બેઠક યોજી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ટ્રેડ પોલિસી ફોરમની આગામી મીટિંગ યુએસમાં ખૂબ જ ટૂંક સમયમાં યોજાશે. આ મીટિંગમાં, ઓળખી શકાય તેવા અને કાર્યના નવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે. આ માટે બંને દેશોની ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ગોયલે અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈ અને યુએસ કોમર્સ સેક્રેટરી જીના એમ રેમોન્ડો સાથે હમણાં જ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

લોકો છુટા હાથે ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈથી પૈસા વાપરી રહ્યા છે તે અર્થતંત્ર માટે સારા સંકેત

What Is Upi And How It Facilitates Instant Money Transfer

ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટનો વધતો ઉપયોગ અર્થતંત્ર માટે સારા સંકેત છે. તેવો નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે. વ્યવહારમાં થયેલા વધારાના આ આંકડા આર્થિક પ્રવૃત્તિમાં થયેલા સુધારા તરફ પણ નિર્દેશ કરે છે.

યુપીઆઈ  ટ્રાન્ઝેક્શન આ વર્ષે એપ્રિલમાં રૂ. 9.83 લાખ કરોડથી વધીને ઓગસ્ટમાં રૂ. 10.73 લાખ કરોડ થઈ ગયા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના માસિક ડેટામાં જણાવાયું છે.  એ જ રીતે પીઓએસ  ટર્મિનલ દ્વારા ક્રેડિટ કાર્ડનો ખર્ચ ઓગસ્ટમાં વધીને રૂ. 32,383 કરોડ થયો હતો જે આ વર્ષે એપ્રિલમાં રૂ. 29,988 કરોડ હતો. ઓગસ્ટમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધીને રૂ. 55,264 કરોડ થયો હતો.  એપ્રિલમાં આ આંકડો 51,375 કરોડ રૂપિયા હતો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધવા સાથે, ખર્ચમાં પણ વધારો થયો છે.  છેલ્લા કેટલાક મહિનામાં ક્રેડિટ કાર્ડનો માસિક ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે.  આ વપરાશમાં શક્તિ દર્શાવે છે. હજુ આગામી તહેવારોની મોસમથી ઘણી અપેક્ષાઓ છે. આ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો તેમની ખચકાટ છોડી રહ્યા છે અને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે છૂટો હાથ રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.