Abtak Media Google News
જયંતિભાઈનો વાગ્યો રે..ઢોલ, ગોંડલમાં શરૂ થયેલા ટિકિટ વોરમાં સહકારી આગેવાનનો ધ્રુજારો 
બે બળિયાની લડાઈમાં ભાજપના નેતાઓ પણ બે જૂથમાં વહેંચાયા : ટિકિટ માટે ખુલ્લો જંગ

અબતક, રાજકોટ

ભાજપના સહકારી આગેવાન અને ભાજપના નેતા જયંતીભાઈ ઢોલએ એક પત્રકાર પરિષદ યોજીને તેના પર થયેલ આક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો.

ગોંડલમાં ભાજપના બે બળિયા નેતાઓ વચ્ચે ધારાસભા ટિકિટ માટે ખુલ્લો જંગ ખેલાયો છે.

સૌરાષ્ટ્રમાં સંવેદનશીલ બેઠક બની રહેલ ગોંડલ પર ભાજપના બે બળિયા નેતાઓ આગામી ધારાસભા-2022ની ચૂંટણીમાં ભાજપની ટિકીટ માટે ખુલ્લામાં સામસામે આવ્યા છે અને એકબીજા ટિકીટ માટે લાયક નથી તેવા આક્ષેપો પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરુ થયો છે. બન્ને જૂથો તેમના રાજકીય વારસદારને ટિકીટ આપવા તલપાપડ છે ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે.

ગોંડલના મોવિયામાં જયરાજસિંહને કડવા પાટીદાર સંમેલનમાં ટેકો મળ્યો તો રીબડામાં અનિરુધ્ધસિંહની પ્રશંસા થઈ રહી છે.

ગોંડલ બેઠક માટે ભાજપને ઉમેદવારની પસંદગી કરવી કઠીન થશે તે વાત નિશ્ચિત મનાય છે.

ઈ.સ.1980 થી 1995 દરમિયાન કેશુભાઈ પટેલથી માંડીને મહીપતસિંહ જાડેજા જ્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે તે ગોંડલ બેઠક પર સતત ચાર ટર્મથી જયરાજસિંહ જાડેજાનું સામ્રાજ્ય છે જેને રીબડાના અનિરુધ્ધસિંહ જાડેજા તરફી  નેતાઓએ પડકાર્યુ છે. ભાજપ જયરાજસિંહ જાડેજાના પુત્રને ટિકીટ આપે તેવી ચર્ચા વહેતી થઈ છે ત્યારે આ જંગ હવે આગળ વધી રહ્યો છે.

તાજેતરમાં ગોંડલના રાજકારણનું એપી સેન્ટર અને કડવા પાટીદારની વસ્તી ધરાવતા મોવિયામાં યોજાયેલા સંમેલનમાં દાયકાઓથી ભાજપના માજી ધારાસભ્ય જયરાજસિંહે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી દીધી હતી. જાડેજાએ રીબડા જૂથ સામે રીબડા આસપાસ જમીનના સોદામાં ચાલતી ગરબડો પર અને ભૂતકાળ પર પ્રહારો કરીને ચોરને લોકરની જવાબદારી નહોય, બિલાડીને દૂધના રખોપા ન હોય તેવા વ્યંગબાણ છોડ્યા હતા. બે દાયકાથી સહકારી આગેવાન જયંતિ ઢોલ અંગે તેમણે કહ્યું કે ક્યાં કોની સાથે બેસવું તેની સભાનાવસ્થા તેમણે ગુમાવી દીધી છે. ગોંડલના રાજકારણમાં નિર્ણાયક કડવા પાટીદાર સમાજના પ્રમુખ પદેથી પણ હટાવાયા હતાં અને નવા પ્રમુખ પદે કિશોર અંદીપરાની વરણી કરાઈ હતી. સંમેલનમાં ભાજપના કડવા પાટીદાર આગેવાનોએ જયરાજસિંહને સર્વમાન્ય નેતા પણ ગણાવ્યા હતા.

આ સંમેલનનો જવાબ આપવા આજે રીબડા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના નામે અનિરુધ્ધ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં રીબડાના ગ્રામજનો, કારખાનેદારોએ જયરાજસિંહના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને ભાજપની રીબડા માંથી નિર્ણાયક લીડ મળતી રહ્યાનું જણાવ્યું હતું. સહકારી અગ્રણી જયંતિ ઢોલે તો જયરાજસિંહના પરિવાર સિવાય કોઈને પણ ભાજપ ટિકીટ આપે તો જીતાડી દેવાની ગેરેંટી આપી હતી.

એકંદરે ગોંડલના બે બળિયા જૂથો વચ્ચે સમાધાનના અણસાર નથી અને લડાઈ આગળ વધી રહી છે ત્યારે ભાજપ બેમાંથી કોના પરિવારને ટિકીટ આપે છે કે કોઈ અન્ય નેતા પસંદ કરે છે તેના પર મીટ મંડાઈ રહી છે.

રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે ભાજપ ટિકીટ આપશે તી ચૂંટણી લડીશ અન્ય પક્ષમાંથી નહીં લડું. જયરાજસિંહ વિરોધી જયંતિ ઢોલને માર્કેટ યાર્ડ અને સહકારી બેન્ક પછી કડવા પાટાદાર પ્રમુખ પદેથી હટાવાયાં હતા.

જયંતિ ઢોલે વધુમાં જણાવ્યું કે જયરાજસિંહ કે તેમના પરિવારમાં કાઈને ભાજપ ટિકીટ આપશે તો મદદ નહીં કરૂ તે સિવાય કોઈને પણ ટિકીટ આપશે તો ચૂંટાવામાં મદદ કરીશું. ઉપસ્થિત કારખાનેદારો,ખેડૂતોએ જણાવ્યું હતું કે મહીપતસિંહે અમારી જમીન જાળવી રાખી છે વેચતા બચાવી હતી. જમીન વેચવા કોઈ બંધનો નથી.

ભાજપે બન્ને જુથો વચ્ચે સમાધાન સાધવા પ્રયાસ કર્યો હતા પણ તેમાં નિષ્ફળતા મળી હતી. ગોંડલમાં અહં ટકરાવનું ચિત્ર બદલાયું છે અને હવે બે ક્ષત્રિય નેતાઓ આમને સામને આવ્યા છે. જયરાજસિંહે અનિરુધ્ધસિંહ પર રીબડામાં જમીનસોદા અંગે પ્રહારો કર્યા બાદ અનિરુધ્ધસિંહ તરફે જયંતિ ઢોલે કહ્યું હતું કે જયરાજસિંહ    પરિવાર સિવાય કોઈને પણ ટિકિટ અપાશે તો હું જીતાડી દઈશ નહીંતર આપઘાત કરી લઈશ. હાલ આ બેઠક પર કોઈ નવાજુની થવાના એંધાણ વર્તી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.