ભારે ડિસ્કાઉન્ટ અને અન્ય સ્કીમો છતાં સ્માર્ટ ફોનના વેચાણમાં અપેક્ષા મુજબ વેચાણ નથી
સ્માર્ટફોન માટેની દિવાળી ઝાંખી છે. એક રીપોર્ટ અનુસાર આશરે ૩.૫૦ કરોડ સ્માર્ટ ફોન દિવાળીના તહેવારો ઢુકડા હોય માર્કેટમાં ઠલવાઈ ચુકયા છે. આમ છતાં બજાર વિશ્ર્લેષકોના મતે સ્માર્ટફોનના વેચાણમાં દિવાળી ઝાંખી હોવાનું ચિત્ર ઉભુ થયું છે. સ્માર્ટ ફોનના ઉત્પાદકોને એવી ધારણા હતી કે જીએસટી અને નોટબંધીના કારણે માર્કેટમાં મંદીનો માહોલ સર્જાયો હતો. આથી દિવાળીના તહેવારો ઢુકડા આવતા તેમણે સપ્ટેમ્બર માસથી જ માર્કેટમાં મોબાઈલ ડીવાઈસ ઠાલવવાનું શ‚ કરી દીધું હતું. તેમણે આશરે ૩.૫૦ કરોડ સ્માર્ટફોન મોબાઈલ ડીવાઈસ માર્કેટમાં વેચાણ માટે મુકયા છે. આ સિવાય તેમણે લોભામણી અને આકર્ષક સ્કીમો, ડિસ્કાઉન્ટ સ્કીમો, ફ્રી ટોકટાઈમ-ઈન્ટરનેટ સ્કીમો, ગીફટ સ્કીમો, ટ્રાવેલ સ્કીમો વિગેરે તરતી મુકી હોવા છતાં જોઈએ તેવો વેચાણ આંક મેળવી શકાયો નથી.ભારતમાં મોબાઈલ અને સ્માર્ટફોન વેચાણ પર નજર રાખતી વોચડોગ કંપની ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન ઈન્ડિયાના ઓનલાઈન સેલ્સના માર્કેટીંગ મેનેજર નવકાર સિંઘે જણાવ્યું હતું કે બજારમાં જોઈએ તેવો કરંટ નથી. સ્માર્ટફોન માટે દિવાળી ઝાંખી છે. નવરાત્રી પણ ફીકી રહી. હવે દિવાળીએ પણ વેચાણમાં હજુ સુધી ઉછાળો નોંધાયો નથી.