Abtak Media Google News

ભાજપનું પેપર ફૂટી ગયું !

રાજકોટ દક્ષિણમાં નીતિન રામાણીને ટિકિટ આપતા આપતા-છેલ્લી  ઘડીએ રમેશભાઇ ટીલાળા પર કળશ ઢોળી દેવાયો કે શું ? કાર્યકરોમાં પણ ચર્ચા: ડમી ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરી સી.આર. પાટીલ શું પ્રસ્થાપીત કરવા માંગે છે

કેન્દ્રીય ચૂંટણી પંચ આ વખતે થોડું આકરુ બન્યું છે. જો કોઇ રાજકીય પાર્ટી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારને ટિકીટ આપે તો તેના પ્રદેશ અઘ્યક્ષે  એવું જાહેર કરવું પડે છે કે આનાથી સારો ઉમેદવાર અમારી પાસે નથી. દરમિયાન આજે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ભાજપના જે ઉમેદવાર પર અલગ અલગ કલમો હેઠળ ગુના છે. તેના નામ જોગ જાહેરાત કરવામાં આવી છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રમેશભાઇ ટીલાળાને ટિકીટ આપી છે. જયારે ક્રિમીનલ રેકોર્ડ નીતીન રામાણીનો જાહેર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં રામાણીનો ડમી ઉમેદવાર છે આજે સત્તાવાર ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતાની સાથે જ તેનું ફોર્મ આપો આપ રદ થઇ જાય છે.

Advertisement

Dsc 1404 1

ખરેખર સત્તાવાર ઉમેદવારને મતદારોએ ચુંટવાનો હોય છ. ડમી ઉમેદવાર માત્ર પક્ષની વ્યવસ્થાનો એક ભાગ છે ઉમેદવારી ફોર્મ ભરવામાં સામાન્ય ભૂલ રહી જાય તો ફોર્મ રદ થાય અને પક્ષે સામાન્ય ભૂલ માટે બેઠક ગુમાવવાનો વારો ન આવે તે માટે સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારને પણ ફોર્મ ભરાવવામાં આવે છે. રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના સત્તાવાર ઉમેદવાર રમેશભાઇ ટીલાળા છે. જેઓ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેમની સામે એક પણ પોલીસ કેસ નથી આવામાં તેનો ક્રિમીનલ રેકોર્ડ જાહેર કરવાનો કોઇ પ્રશ્ર્ન જ ઉદભવતો નથી. ત્યારે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે આજે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપે ડમી ઉમેદવાર તરીકે જેને ફોર્મ ભરાવ્યું છે તે નીતીનભાઇ રામાણીનો ક્રિમીનલ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તેની સામે આઇપીસીની કલમ 323, 353, 341 અને 147 હેઠળ અલગ અલગ કેસ નોંધાયા છે. આ કેસ વર્ષ 2017માં નોંધાયા છે.

સત્તાવાર ઉમેદવારના બદલે ડમી ઉમેદવારનો રેકોર્ડ જાહેર કરી પ્રદેશ ભાજપ અઘ્યક્ષ એવું પ્રસ્થાપીત કરવા માંગી રહ્યા છે કે અમે નીતીનભાઇ રામાણીને જ ટિકીટ આપવા માંગતા હતા પરંતુ છેલ્લી ઘડીએ રમેશભાઇ ટીલાળા ઉપર હાઇકમાન્ડ દ્વારા પસંદગીનું કળશ ઢોળવામાં આવ્યું  છે. જો ઉમેદવાર પર કોઇ ક્રિમીનલ કેસ ન હોય તો તે પક્ષ માટે ગૌરવ લેવા જેવી વાત છે પરંતુ જેને ટિકીટ જ આપવામાં આવી નથી. અને માત્ર વ્યવસ્થાના ભાગરુપે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવવામાં આવ્યું છે તેનો અપરાધીક રેકોર્ડ જાહેર કરવા પાછળ પક્ષનો મુખ્ય હેતું શું છે? તે ખરેખર સમજણની બહાર છે જો ભુલથી ડમી ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડ જાહેર કરી દેવામાં આવ્યો હોય તો પ્રદેશ અઘ્યક્ષની આ સૌથી મોટી ભૂલ છે.

રાજકોટ દક્ષિણના ડમી ઉમેદવાર સાથે રાજકોટ પૂર્વ બેઠકના સત્તાવાર ઉમેદવાર ઉદયભાઇ કાનગડના ક્રિમીનલ રેકોર્ડ પણ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ દક્ષિણ બેઠક માટે નીતીન રામાણીએ ચુંટણી લડવા ઇચ્છા વ્યકત કરી હતી. પેનલમાં તેઓનું નામ દિલ્હી સુધી પહોંચી ન હતું. છતાં પક્ષે તેઓ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવી તેનો ક્રિમીનલ રેકોર્ડ જાહેર કરી દીધો. ટિકીટ ન મળવાથી નીતીનભાઇ જેટલા બદનામ ન થયા તેટલા બદનામ ક્રિમીનલ રેકોર્ડ જાહેર કર્યા બાદ થયા છે.

જો ભાજપે સત્તાવાર ઉમેદવાર સાથે ડમી ઉમેદવારોનો ક્રિમીનલ રેકોર્ડ જાહેર કરવા નિર્ણય કર્યો હોય તો આ નિર્ણય ખરેખર ઐતિહાસિક કહી શકાય.  પરંતુ જો આવું હોત તો તમામ બેઠકો માટે ડમી ઉમેદવારના પણ ક્રિમીનલ રેકોર્ડ પણ જાહેર કરવો જોઇએ એક માત્ર નીતીનભાઇ રામાણી પ્રત્યે આટલો પ્રેમ શા માટે? તે હજી સમજાતું નથી.

  • હું ડમી ઉમેદવાર, ભૂલથી મારે ક્રિમિનલ  રેકોર્ડ જાહેર કરી દેવાયો: નીતિન રામાણી
  • પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલનું પણ આ અંગે ઘ્યાન દોરીશ

Screenshot 1 29

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં. 13 ના ભાજપના કોર્પોરેટર અને રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ડમી ઉમેદવાર નીતીનભાઇ રામાણીએ જણાવ્યું હતું કે કોઇ સમજણ ફેર અથવા ભુલના કારણે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સત્તાવાર ઉમેદવાર રમેશભાઇ ટીલાળાના બદલે મારો ક્રિમીનલ રેકોર્ડ જાહેર કરી દેવામાં  આવ્યો હશે.

મેં આ બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડવા માટે ચોકકસ દાવેદારી કરી હતી. પરંતુ પક્ષ દ્વારા રમેશભાઇને ટિકીટ આપવામાં આવી છે અને અમારા સત્તાવાર ઉમેદવાર તેઓ જ છે.

મારો ક્રિમીનલ રેકોર્ડ ભૂલથી જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે મેં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીનું ઘ્યાન દોર્યુ છે. અને જરુર પડશે તો પ્રદેશમાં પણ રજુઆત કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.