ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર વીસીઇ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરોને પરત લેવાનો આદેશ કરાયો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ વીસીઇ છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 વીસીઈને છૂટા કરાયા હતા.
થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 વીસીઈને છૂટા કરાયા હતા: વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને સૂચના આપવામાં આવી
જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 જેટલા વીસીઈ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપતા જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા છે, ઘણા વી.સી.ઈને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા છે. લડતની કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા વી.સી.ઈને અન્યાય કરવામાં આવેલ છે. જેની નોંધ લઈને વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ ઉઉઘને પત્ર લખી તમામ છુટા કરેલા વી.સી.ઈને પરત લેવાનો આદેશ કરાયો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જુદા-જુદા જિલ્લાના 40 વી.સી.ઈને પરત લેવામાં આવે અને આઈ.ડી બ્લોક છે, જેને તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવે. વી.સી.ઈએ ઘણા વર્ષો સુધી કરેલ કામગીરી અને આપોલ વર્ષો સુધીના સમયના બલિદાનને ધ્યાને લઈને તમામ વી.સી.ઈને ન્યાય આપશો, સાથે આ તમામ વી.સી.ઈ નિષ્ઠાથી કામગીરી કરતા હતા, તેવી રીતે રેગ્યુલર કરશે અને ફરથી પોતાની ફરજ નિષ્ઠા સાથે નિભાવશે.
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જો વી.સી.ઈની કામગીરી સંતોષકારક જણાતી ન હોય અને તેઓને છુટા કરવાના થતા હોય તો સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને ગ્રામસભામાં મંજૂરી મેળવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીની બહાલી મેળવી છૂટા કરવામાં આવે.
વીસીઇ કર્મીઓનું કામ શું?
રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર વીસીઇ કર્મી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં વીસીઇ કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે.