નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ અને સભ્યોનો માત્ર હોદ્દો પરત લઈ લેવો એટલી સજા પૂરતી ગણાય ?, મોટાભાગના તો ફરી ચૂંટાઈને ફરી એ જ ખુરશીએ બેસી જશે!
મોરબી : 135 લોકોને મોતના મુખમાં ધકેલી દેનાર ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબી પાલિકાને માત્ર સુપરસિડ કરીને સંતોષ માની લેવો તે કેટલા અંશે યોગ્ય છે ?નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ અને સભ્યોનો માત્ર હોદ્દો પરત લઈ લેવો એટલી સજા પૂરતી ગણાય ?, મોટાભાગના તો ફરી ચૂંટાઈને ફરી એ જ ખુરશીએ બેસી જશે! તેવી ચર્ચા હાલ સમગ્ર મોરબી પંથકમાં જામી છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં છ મહિનાના લાંબા સમય ગાળા બાદ સરકારના શહેરી વિકાસ વિભાગે ભાજપની ચૂંટાયેલી પાંખને સાંભળવાની અને ખુલાસા કરવાની તક આપ્યા બાદ અંતે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા 135 લોકોનો ચિત્કાર સાંભળી પાલિકાની ચૂંટાયેલી પાંખનું વિસર્જન કરી નાખતા ભાજપના ચૂંટાયેલા બાવને બાવન નગરસેવકોને ઘરભેગા થયા છે, બે વર્ષને બે મહિનાના શાસનમાં મોરબી નગરપાલિકાના શાસકો પોતાની મિલકતની યોગ્ય જાળવણી કરવાની પોતાની ફરજોમાં સદંતર નિષ્ફળ રહેલ હોવાનું સ્પષ્ટ તારણ કાઢી શહેરી વિકાસ વિભાગે આ ગંભીર દુર્ઘટનાની જવાબદારીમાંથી મોરબી નગરપાલિકાના સત્તાધીશો છટકી શકે નહી તેમ જણાવી ભાજપના 52 નગરસેવકો ઘરભેગા કર્યા છે.
ગત તા.30 ઓક્ટોબર 2022ની ગોઝારી સાંજે મોરબી નગરપાલિકા હસ્તકનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજતા આ ગંભીર બાબતે નામદાર હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરી નામદાર કોર્ટ દ્વારા સરકારનો ઉધડો લઇ મોરબી નગર પાલિકાને કેમ સુપરસીડ ન કરી તેવા સવાલો ઉઠાવતા સમગ્ર ગંભીર દુર્ઘટના મામલે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભાજપ શાસિત મોરબી નગર પાલિકાને ખુલાસા રજૂ કરવા તક આપી હતી. જો કે, બે અલગ -અલગ જૂથમાં વિભાજીત થયેલ નગરપાલિકાના સત્તાધીશોએ બે અલગ અલગ ખુલાસા રજૂ કર્યા હતા પરંતુ શહેરી વિકાસ વિભાગે આ ખુલાસા ગ્રાહ્ય રાખ્યા વગર ગંભીર દુર્ઘટનાની જવાબદારીમાંથી મોરબી નગરપાલિકા છટકી શકે નહી તેવા સ્પષ્ટ તારણ સાથે મોરબી નગરપાલિકા બોડીને ઘરભેગી કરતો સાત પાનાનો હુકમ કર્યો હતો.
શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ મનીષ સી.શાહની સહી વાળા મોરબી નગરપાલિકાના સત્તાધીશોને ઘરભેગા કરી નાખનાર હુકમનો સારાંશ જોઈએ તો આ હુકમમાં જણાવાયું છે કે, વર્ષ-૨૦૦૭માં મોરબી નગરપાલિકા દ્વારા તા.૨૯/૦૫/૨૦૦૭ના સામાન્ય સભાના ઠરાવથી ત્રણ સભ્યોની સમિતિ બનાવી મોરબી ઝુલતા પુલના સમારકામ, જાળવણી તથા સફાઈ બાબતે રીપોર્ટ તૈયાર કરી આ કામગીરી માટે કોન્ટ્રાકટ આપવા માટે કલેકટર, રાજકોટને સત્તાઓ સોંપવામાં આવેલ હોઇ તથા ત્યારબાદ કરવામાં આવેલ કરાર પૂર્ણ થતાં અજંતા કંપની દ્વારા કલેક્ટરનો સંપર્ક કરવામાં આવેલ હતો.
આ સમયે નગરપાલિકાએ ઝુલતો પુલ પોતાની મિલકત હોવા છતાં આ સંદર્ભે વાંધો ઉઠાવ્યો નથી કે, અગાઉ સામાન્ય સભાએ ઠરાવ કરીને કલેક્ટરને સત્તાઓ સોંપવામાં આવેલ હતી પરંતુ આ કરાર પૂર્ણ થયા બાદ આવી સત્તાઓ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ન હોઇ ઝુલતા પુલ સંદર્ભેના પત્ર વ્યવહાર નગરપાલિકા સાથે જ કરવાના રહેશે. આમ, નગરપાલિકા પોતાની ફરજો પરત્વે જાગૃકતા રાખેલ નથી.
આ કરાર પૂર્ણ થયા બાદ અજંતા કંપની દ્વારા અન્ય કોઇ કરાર વિના આ પુલની મરામત અને નિભાવણી ચાલુ રાખેલ હતી. જે પરત્વે પણ નગરપાલિકાએ પોતાની મિલકત સંદર્ભેનો કરાર પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં કંપની દ્વારા માત્ર પત્રવ્યવહાર કરી એકતરફી ઝુલતા પુલનો કબજો પોતાની પાસે રાખેલ હોવા છતાં આ બાબતે કોઇ વાંધો ઉઠાવ્યો નથી. આમ, નગરપાલિકા પોતાની ફરજો પરત્વે જાગૃકતા નહીં દાખવી પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ નિવડી છે.
અગાઉનો કરાર કલેકટર અને અજંતા કંપની વચ્ચે થયેલા હોવાથી તેને રીન્યુ કરવા માટે પણ અજંતા દ્વારા કલેક્ટરને જ જાણ કરવામાં આવેલ અને કંપની દ્વારા કલેકટરને રજુ કરવામાં આવેલ કરારના મુસદ્દામાં મુદ્દા નં. ૭ માં કરવામાં આવેલ વાંધાજનક જોગવાઇ સંદર્ભે પણ નગરપાલિકાએ કોઇ વિરોધ દર્શાવ્યો નથી. આમ, નગરપાલિકા પોતાની ફરજો પરત્વે જાગૃકતા નહીં દાખવી પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ નિવડી છે.
વધુમાં ચીફ ઓફિસરે પ્રમુખના માર્ગદર્શન નીચે કામ કરવાનું રહે છે જો ચીફ ઓફિસર દ્વારા આ મુજબની કાર્યવાહી કરવામાં ન આવે તો તેના વિરુદ્ધ જરૂરી વાંધા સાથે સક્ષમ કક્ષાને ફરિયાદ કરવી જોઈતી હતી પરંતુ નગરપાલિકા દ્વારા આવી કોઈ ફરિયાદ કરવામાં આવેલ હોય તેઓ ઉલ્લેખ નથી. આમ, નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કરારને પોતાની મૂક સંમતિ દર્શાવવામાં આવેલ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.
ચીફ ઓફીસર દ્વારા તા.૦૮/૦૩/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ આ કરાર બાદ મોરબી ઝુલતો પુલ બંધ રાખી અજંતા કંપની દ્વારા સમારકામ હાથ ધરવામાં આવેલ ત્યારબાદ જયસુખ પટેલ, અજંતા કંપનીના માલિક દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૨ના રોજ પત્રકાર પરિષદ યોજી આ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ. આમ, આ બાબતની નગરપાલિકાને જાણ હોવા છતાં નગરપાલિકા દ્વારા અજંતા કંપની પાસેથી આ ઝુલતા પુલના સમારકામ પૂર્ણ થયા અંગે તથા તેના ફીટનેસ સર્ટીફીકેટ મેળવ્યા અંગે કોઇ પુછાણ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી. આમ, નગરપાલિકા પોતાની મિલકતની યોગ્ય જાળવણી કરવાની પોતાની ફરજોમાં સદંતર નિષ્ફળ રહેલ છે.