ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્ય ફૂટસાલ કબલ ચેમ્પિયનશીપ-2023નું આયોજન કરી રહ્યું છે. વડોદરામાં તા. 24 મે 2023 થી 31 મે 2023 સુધી યોજાનારી આ ચેમ્પિયનશીપ સમા સ્પોર્ટ્સ ઈન્ડોર હોલમાં વુડન કોર્ટ પર રમાશે.   આજે વિધીવત રીતે ટુર્નામેન્ટનો સવારે પ્રારંભ  કરાયો હતો.

આ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રતિષ્ઠિત ટીમો ભાગ લેશે, એમાં ભાઈઓના વિભાગમાં નવ ટીમ રહેશે, જ્યારે બહેનોના વિભાગમાં ચાર ટીમ ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ ની ફાઇનલ મે 31,2023ના રોજ રમાશે. ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપમાં જીતનાર ટીમ ઓલ ઇન્ડિયા ફુટસાલ ક્લબ ચેમ્પિયનશિપ માટે ક્વોલીફાઈ થશે, એમ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ  પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

ફૂટબોલનું આ નવતર સ્વરૂપ પ્રચલિત અને પ્રચારિત કરવાની પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ફૂટસાલ ઉત્સાહજનક અને ઝડપી ઇન્ડોર રમત છે, જે સમગ્ર વિશ્વમાં રમાતી અને ફીફા દ્વારા માન્યતા પ્રાપ્ત રમત છે. આ રમતમાં બંન્ને ટોમોમાં પાંચ-પાંચ ખેલાડીઓ હોય છે અને તે ટચલાઇન સાથેની સમતળ સપાટી પર ઓછો ઉછાળ ધરાવતા ફૂટસાલ બોલથી રમવામાં આવે છે. કૌશલ્ય વર્ધન માટેની આ એક ઉમદા રમત છે કેમ કે તેમાં ત્વરીત નિર્ણય અને પ્રતિભાવ, સર્જનાત્મક ડ્રિબલિંગ અને બોલને સચોટ રીતે પાસ કરવાનો સમાવેશ થાય છે. જી.એસ.એફ.એ.ની યાદીમાં આ પ્રકારના ઘણા પ્રસંગો ભવિષ્યમાં આવવાના છે, જેમાં છોકરા-છોકરીઓ માટે બેબી લીગ, સબજૂનિયર, જૂનિયર અને સીનિયર લીગ વિગેરે સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.