Abtak Media Google News

સાયક્લોનિક સરક્યુલેશન ઉપરાંત પ્રિ-મોનસુન એક્ટિવીટી

દરિયામાં જોરદાર કરન્ટ, માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ: ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશનની અસરતળે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. પ્રિ-મોનસુન એક્ટિવીટી પણ શરૂ થઇ જવા પામી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 133 તાલૂકાઓમાં વરસાદ પડ્યો છે. દરમિયાન સવારથી વાદળર્છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે રવિવારે રાજ્યમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયુ છે. જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. બીજી તરફ બિપોર જોય વાવાઝોડુ પણ ઉદ્ભવી રહ્યું છે. જેની અસરતળે આગામી 12 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રવિવારે રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દરમિયાન રાજ્યના 133 તાલૂકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. હાલ પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનીક અસરના કારણે પણ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇકાલે પડેલા ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વીજળી પડવાના કારણે ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

જાફરાબાદના દરિયામાં કરંટ, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ, ધારીના ગ્રામીણ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ અમરેલી જિલ્લાના તાલુકાઓ – અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન  સાથે વરસાદનું આગમન થયું હતું. જેમાં બપોર બાદ બદલાયેલા વાતાવરણ સાથે ધારી ગીરના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો અને ચલાલા તેમજ મીઠાપુરમાં કરાં પણ પડ્યા હતા. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામ દરિયાઈ ટાપુ પર પવન સાથે દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરિયો હાઈટાઈડ થઈ રહ્યો છે.

દરિયામાં કરંટ સાથે પવનની ગતિ વધતા દરિયામાં ડમરી ઊડતી હોય તેવો માહોલ છવાયો છે. શિયાળબેટ ગામથી દૂર મધદરિયામાં અતિ તોફાની કરંટ હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. શિયાળ બેટની બોટ દરિયા કાંઠે લાંગરેલી હાલતમાં જોવા મળી રહી છે, બીજી તરફ હાલ શાંત માહોલ વચ્ચે પવનની ગતિ વધી રહી છે. ઉપરાંત વરસાદ વગર દરિયામાં કરંટ વધી રહ્યો છે.માછીમારોને દરિયો ન ખેડવા સલાહ પણ આપવામાં આવી છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન મહેમદાવાદ અને લુણાવાડામાં અઢી ઇંચ, નડીયાદ, નેત્રંગમાં બે ઇંચ, લાખણી, મહુછા, બાલાસિનોરમાં પોણા બે ઇંચ, મોડાસા અને વાલીયામાં દોઢ ઇંચ, આણંદ, જાંબુઘોડા, પાટણ, શહેરા, ધાનપુર, ડાંગ આહવામાં સવા ઇંચ, વિજાપુર, ગોધરા, ઉમરપાડા, કડી, દેસર, બાયડ, ક્વાંટ, સરસ્વતી, માણસા, કપડવંજ, દેવગા બારિયા, મહેસાણા, બેચરાજી, પેટલાદ ગળતેશ્ર્વર અને અમદાવાદ શહેરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અસહ્ય ઉકળાટ વાદળર્છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. બિપોર જોય વાવાઝોડુ સક્રિય થઇ રહ્યું છે. આગામી 12 થી 14 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.