Abtak Media Google News

શિકાગો, યુએસએ – 8th July,2023 – વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની 7મી જુલાઈના રોજ સિને લોન્જ, શિકાગો, યુએસએ ખાતે ભવ્ય શરૂઆત થઈ. જ્યાં મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ ના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઓપનિંગ નાઈટમાં ગુજરાતી સિનેમાને સિલિબ્રેટ કરવા માટે દર્શકો બહોળા પ્રમાણમાં એકત્ર થયા હતા.

Advertisement

IGFF એ સાંસ્કૃતિક પડદા પર તેની એક અવિશ્વસનીય છાપ છોડી છે, જેને દર્શકોનો દરેક વર્ષે જબરજસ્ત પ્રતિભાવ મળતો આવ્યો છે. આ ફેસ્ટિવલ અગાઉ 2018માં ન્યૂ જર્સીમાં, 2019માં લોસ એન્જલસમાં અને વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષના ગાળા બાદ 2022માં એટલાન્ટા, GAમાં પરત ફર્યો હતો. ખૂબ જ લોકપ્રિયતા મેળવતા, આ ફેસ્ટિવલમાં દર વર્ષે 5,000 થી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે.

M2

IGFF ની ચોથી આવૃત્તિની ઓપનિંગ નાઈટમાં રેડ કાર્પેટ પર શિકાગોના જાણીતા મહાનુભાવો સાથે ફેસ્ટિવલ જ્યુરી સભ્યો ગોપી દેસાઈ, જય વસાવડા અને એસ.જે. શિરો, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ મલ્હાર ઠાકર, સુપ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક અતુલ પુરોહિત, બોલિવૂડના બહુમુખી અભિનેતા દર્શન પંડ્યા, ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક નિરજ જોષી અને ફિલ્મ નિર્માતા મિલાપ સિંહ જાડેજાએ હાજરી આપી હતી અને આ પ્રતિષ્ઠિત ગુજરાતી ફેસ્ટિવલ અને તેના વારસા પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ફેસ્ટિવલની શરૂઆત થતાં જ લોકો એક્ટર મલ્હાર ઠાકર તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સાથે સેલ્ફી લેવા જોડાઈ ગયા હતા. ફેસ્ટિવલના આયોજકો શ્રી કૌશલ આચાર્ય અને શ્રી હેમંત બ્રમભટ્ટ સમક્ષ દર વર્ષે આ જ રીતે ગુજરાતી ફિલ્મોનું વધુને વધુ સ્ક્રીનીંગ પોતાના શહેર કરાવવાની પ્રેક્ષકોએ માંગ કરી હતી.

આ ફિલ્મ ફેસ્ટિવલના એક દિવસ પહેલા, IGFF એ શિકાગોના ધ નોર્થ ફેરબેન્ક્સ કોન્ડોના 41મા માળે પ્રી-ઇવેન્ટ ‘ભજીયા’ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં જ્યુરી મેમ્બર્સ અને ખાસ મહેમાનો જોડાયા હતા.

આ ફેસ્ટિવલ હજુ બે દિવસ ચાલશે જેમાં 8મી જુલાઈના રોજ વિવિધ ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને 9મી જુલાઈના રોજ સમાપન સમારોહમાં ઓફિશ્યિલ પસંદગીની ફિલ્મોનો એવોર્ડ સમારંભ થશે તેમજ સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી અતુલ પુરોહિત દ્વારા સાંસ્કૃતિક સંગીતના પર્ફોર્મન્સ અને ત્યારબાદ ગાલા કોકટેલ ડિનર યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.