વિદ્યાર્થીઓના ઉત્સાહી ઉમળકાને વધાવી એસ્સાર ઓઈલ આગામી વર્ષે બીજો ભાગ તૈયાર કરાવશે
એસ્સાર ઓઈલ લિ.ની નવી ટાઉનશીપમાં આજે મીની ભારત જેવું સાંસ્કૃતિક મનોરમ્ય દ્રશ્ય રિફાનરી નજીકના ગામોની શાળાના બાળકોએ ‘ભારત એક ખોજ’ કાર્યક્રમમાં સાકાર કરી દીધું હતું. લાલપુર અને ખંભાળિયા તાલુકાની ૧૮ સરકારી શાળાના આશરે ૧૮૦૦થી વધુ બાળકો અને ૧૦૦થી વધુ શિક્ષકોએ તેમની જ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વિવિધ પ્રાંતોની પ્રતિકૃતિઓ નિહાળી અંચબિત થઈ ગયા હતા.
વૈવિદ્યતાની બાબતે ભારત વિખ્યાત છે, જેમાં ખાનપાનથી લઈ ભાષા, પહેરવેશથી લઈ રહેણીકરણી, વન્યજીવનથી લઈ ભુગોળ, ઐતિહાસિકથી લઈ ભૌગોલિક, લંબાઈથી લઈ પહોળાઈ એમ દરેક સ્તરે ભારતની એક આગવી ઓળખ છે ત્યારે ભારતની આ વિવિધતાની ઉજવણી એક જેવી કરવાને બદલે વિવિધ સ્તરે-વિવિધ માધ્યમ વડે કરવામાં આવે તો કેવું રહે ? બસ, આ ઉદેશ્યથી જ એસ્સાર ઓઈલ લિ.એ કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રથમ વખત ‘ભારત એક ખોજ’ કાર્યક્રમનો યુનિક કોન્સેપ્ટ તૈયાર કર્યો અને તેમાં બાળકોએ સાથે મળી ‘મીની ભારત’ના દર્શન કરાવી સૌ કોઈને આકર્ષિત કરી દીધા.
‘ભારત એક ખોજ’એ તથ્ય તથા આંકડા અને વિચાર તથા વિચારધારાનું એકીકરણ છે, બાળકો ભારત અંગે શું વિચારે છે, તેનું આત્મિય પ્રતિબિંબ છે. નવી ટાઉનશીપમાં ૧૮ શાળાના બાળકોએ એક-એક રાજયનું પ્રદર્શન કરવાની સાથે ભોજન,પહેરવેશ, હાથ બનાવટની વસ્તુઓ સહિતની બાબત ઉજાગર કરી હતી. આ માટે વગેરેથી તૈયાર કરાયેલા મોડેલ્સ, એમાં પણ મહારાષ્ટ્રને રજુ કરતી અજંટા-ઈલોરાની ગુફા,ગોવાના ચર્ચ-બીચ, વેસ્ટ બંગાલનું સુંદરવન વિગેરે નિહાળી શાળાના બાળકો રોમાંચિત થઈ ગયા હતા. ભારતનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો દરેક સ્ટોલ્સમાં ઉડીને આંખે વળગતો હતો.
ટાઉનશીપનો સભામંડપ શાળાના બાળકોએ, તેની જ શાળાના બાળકો માટે ‘નાનકડાં ભારત’ના સ્વ‚પમાં ફેરવી નાખ્યો હતો. ભારત દર્શનને એક જ સ્થળે સાકાર કરવા માટે છેલ્લાં છ મહિનાથી ૧૮ શાળાના બાળકો અને તેના શિક્ષકો મહેનત કરી રહ્યા હતા. ભારતના દરેક પ્રાંતન પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર કરી શકાય એ માટે ૩૫ શિક્ષકોની ટીમને દિલ્હીની મુલાકાત કરાવાઈ હતી, જયાં તેઓએ સ્ટેટ એમ્પોરિયમમાં દરેક પ્રાંત માટે ગોઠવાયેલી પ્રદર્શનની સમજ અપાઈ હતી. સાથે મળી સર્જન, શોધ, કલ્પના અને કંઈક શીખવાની નવીનતમ પઘ્ધતિ એટલે ‘ભારત એક ખોજ’, જે એસ્સાર ઓઈલ લિ. પહેલી વખત કોર્પોરેટર સેકટરમાં લાવ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે બહારની સંસ્થાઓનો સહયોગ લઈ બાળકો માટે નવીનતમ આયોજન એસ્સાર ઓઈલ લિ. કરતું હતું.જેમાં બાળકોના ભાગે બહુ ઓછી કામગીરી રહેતી પરંતુ આ વર્ષે બાળકોએ જ બધી કામગીરી કરી એક નવી પહેલને સફળ બનાવી હતી.
આજે એક જ સ્થળે ૧૮ સ્કૂલના બાળકોએ ૧૪ પ્રદેશ અને ૪ કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખી કરાવી પ્રેરણા, નવી પઘ્ધતિ, નવો અનુભવ મુલાકાતી ભુલકાઓને કરાવ્યો હતો.
ભારત એક ખોજમાં બાળકોએ કાગળ સહિતની વસ્તુઓમાંથી તૈયાર કરાયેલા ૧૦૦થી વધુ મોડેલ્સનું પ્રદર્શન પણ કર્યું હતું. ઉપરાંત ભવાઈ, હાથવણાટ,માટીકામ, ચિત્રકારી, નાટક અને સંગીત માટે બહારથી જાણીતા ૩૦ નિષ્ણાંતોએ પણ પોતાના હુન્નરનો પરિચય બાળકોને કરાવ્યો હતો. જેને કારણે એસ્સારની નવી ટાઉનશીપ બાળકોની આનંદમયી કિકિયારીઓથી ગુંજી ઉઠી હતી. બાળકોના અપ્રતિમ સહયોગ અને ઉત્સાહને નિહાળી એસ્સાર ઓઈલ લિ.એ ‘ભારત એક ખોજ’નો બીજો ભાગ આવતા વર્ષે પ્રદર્શિત કરવાનું જાહેર કર્યું હતું.