Abtak Media Google News

ભાવનગરમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર રાજકોટ ૪૩ ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ દેશના અનેક પ્રદેશોમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ

છેલ્લા એક માસથી સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રિતસર અગનવર્ષા કરી રહ્યા છે. એકાદ સપ્તાહથી જાણે સૌરાષ્ટ્ર અગનભઠ્ઠીમાં ફેરવાય ગયું હોય તેવી અંગ દઝાડતી આકરી ગરમી પડી રહી છે. વૈશાખ માસમાં સુર્યપ્રકોપથી જનજીવન રિતસર અકળાય ગયું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ગઈકાલે મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઈ જતા ઘર બેઠા હોય તો પણ શેકાય જઈએ તેવા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો. ૪૩ ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ રાજયનું બીજા નંબરનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ સુર્યનારાયણનાં પ્રકોપ જારી રહે તેવી સંભાવના હવામાન વિભાગ વ્યકત કરી રહ્યું છે. દેશના અનેક પ્રદેશોમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઈ જતા દેશવાસીઓમાં થોડી રાહત વ્યાપી જવા પામી છે.

છેલ્લા એક માસથી રાજયભરમાં આકરા તડકા પડી રહ્યા છે. રોજ ગરમી નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. સવારે ૧૧ના ટકોરે જ સુર્યનારાયણ આકાશમાંથી અગ્નિ વરસાવવાનું શ‚ કરી દે છે. સાંજના ૬ કલાક સુધી આકાશમાંથી અગનવર્ષા ચાલુ રહી છે. ગઈકાલે બુધવારે ગુજરાતમાં સુર્યનારાયણ રાતાચોળ બની ગયા હોય તેમ સૌરાષ્ટ્રના ભાવનગરનું મહતમ તાપમાન ૪૪.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાતા ભાવનગરવાસીઓ રિતસર તોબા પોકારી ગયા હતા તો રાજકોટમાં પણ કાલે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ આંબી જતા લોકો અકળાય ગયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગરનું તાપમાન ૪૩.૪ ડિગ્રી, અમરેલીનું તાપમાન ૪૨.૩ ડિગ્રી, જામનગરનું તાપમાન ૩૮.૮ ડિગ્રી, જુનાગઢનું તાપમાન ૩૯.૫ ડિગ્રી, વેરાવળનું તાપમાન ૩૨.૯ ડિગ્રી, દીવનું તાપમાન ૩૩.૯ ડિગ્રી, દ્વારકાનું તાપમાન ૩૪.૨ ડિગ્રી, ઓખાનું તાપમાન ૩૩.૮ ડિગ્રી, ડિસાનું તાપમાન ૪૨.૫ ડિગ્રી તથા ગાંધીનગરનું તાપમાન ૪૨.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે.

છેલ્લા એકાદ માસથી કાળઝાળ તડકા પડી રહ્યા છે હજી એક પખવાડીયુ લોકોને ગરમીમાં કોઈ જ પ્રકારની રાહત મળે તેવા કોઈ જ અણસાર દેખાતા નથી. આગામી એકાદ સપ્તાહ સુધી હજી હીટવેવનું જોર યથાવત રહે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બપોરના સમયે રાજમાર્ગો પર સ્વયંભૂ સંચાર જેવો માહોલ જોવા મળે છે. દિવસભર અગનભઠ્ઠીમાં શેકાયા બાદ રાત્રીના સમયે લોકો ઠંડક મેળવવા માટે ઘરની બહાર નિકળી જાય છે. બાગ-બગીચા અને ફરવા લાયક સ્થળો રાત્રીના સમયે લોકોથી ઉભરાય જાય છે.

આ વર્ષ ચોમાસાની સિઝન સામાન્ય રહે તેવી આગાહી આપવામાં આવી છે. જે રીતે છેલ્લા એક માસથી ઉનાળો તપી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ચોમાસુ સોળ આની રહેશે.

ભારતમાં સામાન્ય રીતે મે માસનાં અંતિમ સપ્તાહમાં કે જુન માસમાં પ્રથમ સપ્તાહમાં ચોમાસાની સિઝનનો આરંભ થતો હોય છે. એક તરફ ગુજરાત સહિતના રાજયોમાં આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી છે તો બીજી તરફ દેશના અમુક પ્રદેશોમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે.

આંધ્ર અને પશ્ર્ચિમ બંગાળમાં વિજળી પડતા ૨૨ના મોત

ગુજરાતમાં હજુ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે દેશના વિવિધ રાજયોમાં પ્રિ-મોનસુન શરૂ થઈ ચુકયું છે. આંધપ્રદેશના વિવિધ જીલ્લાઓમાં ૪૧૦૨૫ વખત વિજળી પડતા ૧૪ના મોત થયા હતા. ૧૩ જિલ્લામાં વિજળી પડી હતી. બંગાળના ઉપસાગરમાં વરસાદને કારણે દરિયો તોફાની બનતા શ્રેણીબઘ્ધ વિજળી ત્રાટકી હતી. જેમાં કુલ ૨૨ લોકોના મોત થયા છે. તોફાની વરસાદની ૧૫૦ પરિવારોને અસર થઈ હતી. પાટનગર, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના વિસ્તારોમાં વરસાદ અને ધુળની આંધી ફેલાઈ હતી. રાજસ્થાનમાં હળવા વરસાદને કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. આંધ્રામાં દરિયાકિનારે બે માછીમારોએ જીવ ગુમાવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.