Abtak Media Google News

વિદેશ ટૂરના બહાને

સિંગાપુર – મલેશિયાની ફેમિલી પેકેજ બુક કરાવનાર ત્રણ ગ્રાહકના પૈસાનું બૂચ મારી સંચાલકો પલાયન થતા નોંધાતો ગુનો

વિદેશ ટુર કરવાનું કહી ગ્રાહકોના પૈસાનું ફૂલેકું ફેરવનાર રાજકોટની કોટેચા ચોક પર આવેલી સ્માઈલ હોલીડેઝના સંચાલક દંપતિ સામે રૂ.૨૦ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ માલવિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સ્માઈલ હોલીડેઝ કંપનીના સંચાલકોએ ત્રણ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરી લઈ સિંગાપુર – મલેશિયાની ફેમિલી પેકેજ બુક નહિ કરી ઓફિસ અને ઘરને તાળા મારી પલાયન થઈ જતા પોલીસ દ્વારા તેઓની શોધખોળ હાથધરવામાં આવી છે. જ્યારે આ સ્માઈલ હોલીડેઝના દંપતીએ આવી જ રીતે કેટલા ગ્રાહકોનું ફલેકું ફેરવ્યું છે. તે દિશામાં પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર બીગબજાર પાસે સાઈનગર – ૩ માં રહેતા કીરીટભાઈ બાબુલાલ મોલીયાએ નોંધાવેલી ફરીયાદમાં અરોપીમાં કોટેચા ચોક વિસ્તારમાં અનંત બિલ્ડીંગમાં સ્માઈલ હોલીડે-ઝ ટુર્સ ટ્રાવેલ્સની ઓફીસ ધરાવતા તેના સંચાલકો દિપક તન્ના, અને રીધ્ધી તન્ના (પેન્ટાગોન એપાર્ટમેન્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ) સામે જણાવ્યા મુજબ તેના સહિત ત્રણ મીત્ર પરિવારોએ શીંગાપુર મલેશીયાની પેકેજ ટુરનું સ્માઈલ હોલીડેઝમાં બુકીંગ કરાવ્યું હતું. તેના બદલામાં આરટીજીએસ અને રોકડ સ્વરૂપે ૨૦.૪૦ લાખનું પેમેન્ટ કર્યું હતું. પરંતુ બન્ને આરોપીઓ પૈસા લઈ ભાગી છુટ્યાની વાતો પ્રસરતા બુકીંગ કરાવનારા ગ્રાહકો પૈકીનાં કીરીટભાઈ સહિતનાં ત્રણ ગ્રાહકોએ મોડી સાંજે માલવિયાનગર પોલીસનો સંપર્ક કર્યા બાદ ફરીયાદ નોંધાવી હતી.

જેના પગલે પોલીસે આરોપીના ઓફીસ અને તેના ઘરની તપાસ કરતા ત્યાં તાળા લગાવેલા જોવા મળ્યા હતાં. બન્ને આરોપીઓના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા હતાં. ત્યારબાદ પોલીસે બન્ને આરોપીઓ સામે છેતરપીંડી અને કાવત્રા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, આ દંપતીએ અન્ય ગ્રાહકોનું પણ આ જ રીતે ફૂલેકું ફેરવ્યું હોવાની શંકા જતા પોલીસે તે દિશામાં પણ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.