Abtak Media Google News

 જામનગર- દેવભૂમિ-દ્વારકા સહિત પાંચેય જિલ્લાના સહિતના અધિકારીઓ હાજર રહ્યા

Whatsapp Image 2023 07 26 At 3.38.41 Pm 1

જામનગર, સાગર સંઘાણી

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં આજે જામનગર શહેરમાં પ્રથમ વખત ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી, તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ-રૂરલ અને મોરબી સહિતના પાંચેય જિલ્લાના એસ.પી. તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સમગ્ર રાજકોટ રેન્જ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, મહિલા અને બાળકો તેમજ વડીલોની સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. તેમજ ટ્રાફિક અંગે પણ વિશેષ ઝુંબેશ ચલાવવા અંગે ચર્ચાઓ થઈ હતી.

Whatsapp Image 2023 07 26 At 3.38.41 Pm

રાજકોટ રેન્જના આઈ.જી અશોકકુમાર યાદવનું આજે જામનગરમાં આગમન થયું હતું, ત્યારે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેઓની અધ્યક્ષતામાં જામનગરની એસ.પી. કચેરી ખાતે પાંચેય જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ઉપરાંત રાજકોટ રૂરલના એસ.પી. જયપાલસિંહ રાઠોડ, મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી, દેવભૂમિ દ્વારકાના એસ.પી. નીતિશ પાંડે, સુરેન્દ્રનગરના એસ.પી.હરેશ દૂધાત ઉપરાંત જામનગર સહિતના પાંચેય જિલ્લામાં ફરજ પર રહેલા પ્રોબેશનલ આઇપીએસ અધિકારી, પ્રોબેશનલ ડીવાયએસપી સહિત ૨૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓ ની કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ, બાળકો તેમજ વડીલોની સુરક્ષાના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા, અને વાવાઝોડું હોય કે અન્ય આપત્તિ હોય, તે સમયેની કામગીરીની સમીક્ષા ઉપરાંત શહેરના ટ્રાફિકના પ્રશ્નો વગેરેના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી.

જાહેર માર્ગ ઉપર અકસ્માતને આમંત્રણ મળે તેવા કાર્યક્રમો નહીં યોજવા અપીલ

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવના જણાવ્યા અનુસાર રાજકોટ રેન્જના તમામ જિલ્લા વિસ્તારમાં હાલમાં અકસ્માતોની સંખ્યા વધી છે, ત્યારે જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બને તેવા કોઈ કાર્યક્રમો નહીં યોજવા ખાસ અપીલ  કરી હતી.

તાજેતરમાં જાહેર રોડ પર ગરબા રમી ટ્રાફિકને અવરોધવાનો પ્રયત્ન થયો હતો, જે બનાવનો ખાસ ઉલ્લેખ કરીને આવી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની તેમજ બીજાની લાઈફને  જોખમમાં નહીં મૂકવા માટે ખાસ અપીલ કરી હતી.

 સૌરાષ્ટ્રના પાંચેય જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ઝુંબેશ ચલાવાશે

રાજકોટના આઈજી અશોકકુમાર યાદવના જણાવ્યા અનુસાર હાલ અકસ્માતોની ઘટના બની રહી છે, તેને નિવારવાના ભાગરૂપે રાજકોટ રેન્જના પાંચેય જિલ્લામાં ખાસ એક મહિના માટે ટ્રાફિકની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે, અને લોકો ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરે, અને બેફામ ગતિએ વાહનો નહી દોડાવે, જે સમગ્ર કાર્યવાહી અર્થે એક મહિનાની વિશેષ ઝુંબેશ ચલાવવાનું પણ જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.