Abtak Media Google News

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમ નગર શેરી નં.4માં આજે સવારે રોડ પર રખડતા ઢોરને પકડવા ગયેલી કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી સાથે સ્થાનિક માલધારીઓએ માથાકૂટ કરી હતી. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. ઢોર પકડ પાર્ટીના સ્ટાફનો શર્ટ ફાડી નાંખ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મેહુલ મીર નામના વ્યક્તિ સહિત ચાર મહિલાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઢોર પકડ પાર્ટીના સ્ટાફનો શર્ટ ફાડી નાંખ્યો: એક પુરૂષ અને ચાર મહિલાઓ સામે પોલીસ ફરિયાદ

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફરિયાદ મળતા આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમ નગર શેરી નં.4માં રસ્તે રખડતી ગાયને પકડવા માટે ગઇ હતી. ત્યારે સ્થળ પર માલધારીઓનું એક મોટું ટોળું એકત્રિત થઇ ગયું હતું. ગાય પકડવાની કામગીરી શરૂ કરવામાં આવતા માથાકૂટ સર્જી દીધી હતી. ઢોર પકડ પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરવામાં આવતા તેનો શર્ટ ફાટી ગયો હતો. બંદોબસ્ત માટે સ્થળ પર હાજર એસ.આર.પી.ના મહિલા કર્મચારી સાથે પણ મહિલાઓએ ઝપાઝપી કરી હતી. મહા મુસિબતે એક ગાયને ડબ્બે પૂરવામાં આવી હતી. દરમિયાન એસ.આર.પી. અને વિજીલન્સ પોલીસ દ્વારા એક શખ્સને પકડીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. મેહુલ મીર નામના આ વ્યક્તિ સહિત કુલ ચાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે માથાકૂટ રોજીંદી બની જવા પામી છે. શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે આકરા દંડ સાથેની દરખાસ્ત મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવી હતી. પરંતુ ખડી સમિતિ દ્વારા આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે.

જયારે આ બનાવ મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કોર્પોરેશનના લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર પ્રફુલસિંહ ઝાલાની ફરિયાદ પરથી ગૌતમનગરનાં મેહુલ વશરામ મીર તેની સાથેના બે અજાણ્યા શખ્સો અને ચાર મહિલા સામે રાયોટીંગ, મારામારી અને ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે જેમાં પોલીસ દ્વારા મેહુલ મીરની અટકાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.